પવિત્રતાનો સાક્ષાત્કાર
પવિત્રતાનો સાક્ષાત્કાર
સ્વામિ શ્રી સચ્ચિદાનંદજીનું નામ એક ક્રાંતિકારી સંત તરીકે દાયકાઓથી જાણીતું છે. એમના લખાણોમાં વ્યક્તિશુદ્ધિ, સમાજશુદ્ધિ અને વિચારશુદ્ધિનો ત્રિવેણી સંગમ રચાય છે. પરંપરાઓની જડતા, દંભયુક્ત કર્મકાંડિય રૂઢિઓ અને ધર્મના વ્યાપાર સામે વિચાર ચાબખા લઈ ઉભેલી આ વ્યક્તિ કડવી દવા આપે છે પણ એક મા બાળકનું હિત ધ્યાનમાં રાખે એ ભાવથી આપે છે. ચાલો અભિગમ બદલીએ એ પુસ્તક પછી લગભગ સવાસો જેટલાં પુસ્તકો એમની કલમ અને આશીર્વાદના પરિપાક રૂપે ગુજરાતની પ્રજાને મળ્યા છે.
પેટલાદ ખંભાત રોડ પર દંતાલી ગામે આશ્રમ સ્થાપી સમાજોપયોગી પ્રવૃત્તિની સાથે સાથે વિચારશીલ સાહિત્ય દ્વારા વાચકોના મનને ઢંઢોળવાનું કાર્ય કરનાર આ વ્યક્તિત્વને મળવાની ઈચ્છા ઘણા સમયથી હતી. 13 ફેબ્રુઆરીનો દિવસ એ અવસર લઈને આવ્યો જેની રાહ ત્રણ દાયકા જોઈ. નેવું વર્ષની વયે એમનું વ્યક્તિત્વ વધું સૌમ્ય, સરળ અને શીતળ લાગે છે. મારી પુસ્તિકા "ચબરખી" એમને આપી આશિર્વાદ પ્રાપ્ત કર્યા એ ગૌરવશાળી ક્ષણ આપ સૌ સાથે વહેંચતા રોમહર્ષણ અનુભવું છું.
અમને એ સ્થળે પ્રવેશતા જ આશ્રમની પવિત્રતાનો અનુભવ થયો. ગેરુઆ ભગવા રંગથી પ્રભાવિત આ જગ્યામાં અન્નદાન પ્રવૃત્તિ અને આરોગ્ય વિષયક સલાહ માટે દવાખાનું પણ છે. સાધક તરીકે આશ્રમનિવાસ પણ કરી શકાય એવી સુવિધા વાળી આ જગ્યામાં પક્ષીઓનો કલરવ, મંદિરનો ઘંટારવ અને સંતત્વનો પગરવ સહઅસ્તિત્વ ધરાવે છે. ત્યાંના થોડાં કલાકો દરમિયાન અમારા ચિત્તમાં જે અલૌકિક શાંતિનો અનુભવ થયો એ શબ્દમાં વર્ણાવવાનું મારું ગજું નથી.
સમગ્ર આશ્રમ પરિસર પર દ્રષ્ટિ રહે એ રીતે પોતાની બેઠક પર બિરાજેલા સ્વામીજીએ પ્રેમાગ્રહ સાથે અમને પહેલાં ભોજન પ્રસાદ લેવા કહ્યું અને એક વિનમ્રમૂર્તિ સેવકે અમને ભોજનકક્ષમાં લઈ જઈ પ્રસાદની વ્યવસ્થા કરી. એમનો આરામનો સમય થયો હોવા છતાં અમે જમી લઈએ ત્યાં સુધી અમારી રાહ જોઈ. એમની પાસે પહોંચ્યા અને મારા પુસ્તકને એમણે હસ્તાક્ષર થકી આશીર્વાદ પાઠવ્યા અને એમના પુસ્તકોના કક્ષની મુલાકાત લઈ ગમતાં પુસ્તકો લેવા માટે સૂચન કર્યું.
એમની સાથેના વાર્તાલાપ પછી અમે કાર્યાલય અને પુસ્તક કક્ષની મુલાકાત લીધી અને ત્યાં સેવા આપનાર સજ્જનો સાથે વાતો કરી. આશ્રમની પ્રવૃત્તિઓ અને ત્યાં રહેવા ઇચ્છુક સાધકોના નિયમો અને દિનચર્યાની માહિતી મેળવી. અનેક સાહિત્યકારો, સત્તાધીશો અને સામાજિક આગેવાનો જેમના માટે અપાર આદર અને સન્માનની લાગણી અનુભવે છે એ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના અનેક સત્કાર્યો અને દ્રઢ સંકલ્પોની ભૂમિની અમે ફરી આવવાના સંકલ્પ સાથે વિદાય લીધી.
-પ્રણવ ત્રિવેદી
Comments