જીવન એટલે શું?


જીવન એટલે શું?

જીવનની ઘણી વ્યાખ્યાઓ દ્વારા સમજવાની સમજાવવાની કોશિશ થઈ છે. એક ચોક્કસ સમયગાળા દરમિયાન સદેહે આ પૃથ્વી પર શ્વસવાનું એટલે જીવન. માતાપિતાના અસ્તિત્વના વ્યાપ તરીકે આકાર  ધારણ કરીને માન્યતાઓ, ગમા-અણગમાઓ, પ્રશ્નો, જવાબો, સુવિધાઓ-દુવિધાઓ, જ્ઞાન-વિજ્ઞાન, અનુભવો, અવલોકનો, મુલ્યાંકનો આવા તો અનેક પરિમાણોના મૂર્ત સ્વરૂપે “હોવું” એટલે જીવન. પણ વિચારે ચડી ગયેલા મનમાં એક અલગ અવાજ સંભળાય છે. જીવન એટલે ભ્રમ-નિરસનની નિરંતર ચાલતી પ્રક્રિયાથી વિશેષ કશું નથી. મન પ્રદેશે ભ્રમણાઓના સર્જન અને વિસર્જનની પ્રક્રિયાના આધારે વર્તન કરતું એક અસ્તિત્વ એટલે આપણે...! 

બહુ વિચારતા આ વાત સાચી પણ પ્રતીત થાય છે. બાળક તરીકે વિસ્મયમંડિત અનેક કાલીઘેલી ભ્રમણાઓ સાથે યાત્રા શરૂ થાય અને સમજણની સાથે સાથે ભ્રમણાઓનું નિરસન થતું રહે. અંધારામાં અવનવા આકારો અંગેનો ભ્રમ તૂટે છે. ઘર એ જ સલામતી એવો ભ્રમ પણ સ્વતંત્રની ઝંખના થકી તૂટે છે. કિશોરાવસ્થામાં ઘટમાં ઘોડા થનગને અને અણદીઠેલી ભોમકા પર પહોંચવાની ક્ષમતાનો ભ્રમ પણ બંધાય છે. અને યુવાનીથી પ્રૌઢાવસ્થા દરમિયાન તો ભ્રમ-નિરસનની હારમાળા સર્જાય છે. સ્વ-ક્ષમતાનો ભ્રમ, મિત્રતાનો ભ્રમ, સંબંધોનો ભ્રમ, પૈસાનો અને પાત્રતાનો, સત્તાનો, સૌંદર્યનો અને સામર્થ્યનો ભ્રમ. એવું પણ લાગે કે સત્તા, સ્થાન અને સામર્થ્યના ભ્રમની ચરમસીમા એટ્લે જ અહંની શરૂઆત. આવી તો અનેક ભ્રમણાઓના કિલ્લાઓ જમીનદોસ્ત થતાં રહે છે અને જીવન વહેતું રહે છે લાગણીઓ અને માગણીઓના બે ભ્રમ કિનારા વચ્ચે. 

આપણી વાતોમાં પણ આ સત્ય ટપકતું જ રહે છે॰  ઉદાહરણ તરીકે, “મને તો એમ હતું કે...” અથવા “મારા માનવા પ્રમાણે આમ થવું જોઈતું હતું...” અથવા “મેં તો આમ ધાર્યુ હતું..”  વગેરે વાક્યાંશો આપણે વાપરીએ છીએ અને સાંભળીએ પણ છીએ॰ આ ઉપરાંત વિશ્વાસઘાત, પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર, છેતરપીંડી વગેરે ઘટનાઓ પણ એક રીતે તો ભ્રમ નિરસનની જ ઘટનાઓ છે ને?  આખી વાતમાં મજા તો એ છે કે ભ્રમણાઓ ભાંગ્યા પછી પણ ઘણા કિસ્સામાં આપણે તેની અખંડિતતાનો જ ભ્રમ સેવ્યા કરીએ છીએ॰ સુરજ મધ્યાહને તપતો હોય ત્યારે સૂર્ય આથમવાનો જ નથી એભ્રમણામાં રાચનારાઓની કદરૂપી સાંજ આસપાસ જોવા મળે છે ને? બીજી રીતે એમ પણ લાગે કે જેમની સૌથી વધુ ભ્રમણાઓ દૂર થઈ એ સૌથી વધુ જ્ઞાની અને જેની બાળપણની ભ્રમણાઓ વય વધવા સાથે નાશ ન પામે તે મંદબુધ્ધિ અથવા બુધ્ધુ...!  

અને આ યાત્રાના અંતે મૃત્યુ નામની મહાન ભ્રમણા...! અંહી વિચારો અટકી જાય છે? મૃત્યુ એ પરમ સત્ય કે ભ્રમણા કેવળ? મૃત્યુ એ જીવન નામની ભ્રમણાનું નિરસન કે સૃષ્ટિ પરના પરમ સત્યનો પટક્ષેપ?. જે આ સીમા પાર કરે છે એ જ આ સવાલનો ઉત્તર આપી શકે પણ જવાબ આપવા માટે કોઈ રોકાતું નથી અને એટલે જ જ્ઞાનની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે જીવનની તમામ ભ્રમણાઓનો અંત એટલે મૃત્યુ.    -પ્રણવ ત્રિવેદી


Comments