સંઘર્ષ ચિંતન

  

આપણી ભાષાનો એક શબ્દ છે: 'સંઘર્ષ'. એ આપણી ભાષાની મહાનતા છે કે શબ્દનો ધ્વનિ જ અર્થ આવિર્ભાવમાં મદદ કરે. સવિશેષ ઘર્ષણની અર્થછાયા ધરાવતો આ શબ્દ બહુ જ અર્થ ઉંડાણ પણ ધરાવે છે.

કોઇ પણ સજીવ જન્મતાની સાથે જ એનો સંઘર્ષ શરૂ કરી દે છે.અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ. ડાર્વીનનો ઉત્ક્રાન્તિવાદ હોય કે આપણી જુની પેઢીની પેલી કહેવત હોય ("બળિયાના બે ભાગ") સિધ્ધાંત સમાન છે કે જે સંઘર્ષમાં ફાવે છે એ ટકી રહે છે એટલે કે જીંદગી પામે છે. આપણા દર્શન પ્રમાણે આ જગતના મુળભૂત પાંચ તત્ત્વો પૈકીના અગ્નિતત્ત્વનો ઉદભવ જ સંઘર્ષમાંથી થાય છે.વાદળો હવા સાથે સંઘર્ષ કરે છે ત્યારે જ વરસાદ થાય છે. વૈચારિક સંઘર્ષોમાંથી જ સિધ્ધાંતો અને સંકલ્પો જન્મે છે. સંઘર્ષ એ ગતિનું, અધોગતિનું કે પ્રગતિનું કારણ બને છે. સામાન્ય અર્થમાં ભૌતિક એટલે કે નરી આંખે જોઈ શકાય એવાં જ સંઘર્ષ હોય છે પણ વૈચારીક સ્તરે કે અહંના સ્તરે થતાં સંઘર્ષની અસરો બે વ્યક્તિ પુરતી સીમિત ન રહેતા વ્યાપક બને છે. 

આમ તો વિકાસ એ સંઘર્ષની હકારાત્મક ફલશ્રુતિ જ ગણી શકાય ને? સાહિત્યના અનેક પ્રકારો છે પણ હજુ સુધી ક્યાં માત્ર અને માત્ર સંઘર્ષનુ જ સાહિત્ય ક્યાંય જોવા નથી મળ્યું ! અને બીજી રીતે જોઇએ તો તમામ સાહિત્ય સંઘર્ષ કથામાંથી જ જન્મે છે. વ્યક્તિઓ વચ્ચે, પેઢીઓ વચ્ચે, વિચારો કે માન્યતાઓ વચ્ચે, અહં વચ્ચે કે સિધ્ધાંતો વચ્ચે, અકારણ કે સકારણ આપણી આસપાસ સતત ઘર્ષણ જોવા મળે છે. અરે આસપાસ તો ઠીક, આપણી ભિતર પણ સંઘર્ષ સતત ચાલતો રહે જ છે. શેક્સ્પીયરનુ પાત્ર ' ટુ બી ઓર નોટ ટુ બી' નો મનોસંઘર્ષ ભોગવે કે પછી મહાભારતનો દુર્યોધન એમ કહે કે ' જાનામિ ધર્મં ન ચ મેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મં ચ ન ચ મેવ નિવૃત્તિ" એમ કહે, બધે જ ભિતરી સંઘર્ષની અસર વરતાય છે. 

કહેવાતી સ્વતંત્રતા વચ્ચે, અનેક બંધનો સહેતા સહેતા આપણે સૌ કશુક એવુ ઝંખતા રહીએ છીએ જે આપણને બંધનમુક્ત કરે.આ ઝંખના પણ અંતે તો સંઘર્ષમાંથી છુટવાની મથામણ જ છે ને? જે સંઘર્ષ અન્ય પર વિજય નહી પણ અનન્ય પર વિજય આપે અને રવિશંકરમહારાજ કહેતા એમ ઘસાઈને ઉજળા થઈએ એ ન્યાયે સ્વને ઘર્ષણ થકી ઉર્ધ્વગતિ તરફ લઈ જઈએ એ જ જીવનસાધના છે.

પ્રણવ ત્રિવેદી

Comments