એક કહાની
એક કહાની.... ધડામ…! પવનના વેગથી બારી બંધ થઈ અને પલ્લવીની તંદ્ર તૂટી. મનોમન તે બબડી પણ ખરી કે હજુ કેટલી બારી બંધ થવાની હશે કોને ખબર ? હજુ હમણાં તો વનમાં પ્રવેશેલી પલ્લવીએ જીવનમાં અનેક બારીઓને બંધ થતાં જોઈ હતી અને અંતરની કોઈ અતૂટ શ્રદ્ધાના બળે નવી બારીઓ ખોલી પણ હતી. બહાર ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો હતો. વાતાવરણમાં ભીનાશ હતી અમે પલ્લવીની કોરી આંખો સામે જીંદગીના વિવિધરંગી દ્રશ્યો કોઈ ફિલ્મની જેમ પસાર થઈ રહ્યા હતા. આવી જ એક વરસાદી સાંજે કૉલેજમાં એક રક્તદાન શિબિરમાં પોતે પ્રથમ વખત સુધિરને મળી હતી. પોતાના પહેરવેશ પ્રત્યે બેદરકાર અને કંઈક ધૂની જેવા લાગતાં સુધિર શાહની ઓળખાણ તેને એક અધ્યાપકે કરાવી ત્યારે મનમાં ઊંડે ઊંડે અનુભવેલી ઝણઝણાટીની પોતે અવગણના કરી હતી. પરંતુ પછીના એક વર્ષ દરમિયાન આ પરિચય એક સુદ્રઢ પરિણયમાં પરિણમ્યો ત્યારે મનમાં મુગ્ધ મેદાનો પર ગુલાબી ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી. આર્મી ઑફિસરની પુત્રી હોવાને કારણે પલ્લવીનો પોતાનો રોફ પણ ક્યાં ઓછો હતો ? અને સામે પક્ષે સુધિરનું મુફલિસી વ્યક્તિત્વ ! એક વૈશાખી બપોરે પલ્લવીએ પ્રેમ ખાતર પરિવાર છોડ્યો અને જીવનની પ્રથમ બારી બંધ થઈ હતી. લગ્નજીવનન...