ભરતકામ
ભરતકામ...
મારા બાળપણ દરમિયાન અમારાં પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી. પરિવારના યોગક્ષેમ માટે મારી માતા પણ પોતાના ફાજલ સમયમાં ભરતગુંથણનું અને નાના મોટા કપડાં સીવવાનું કામ ઘરે રહી કર્યા કરતી.
અમારા ઘરમાં લાકડાની ઊંચા પાયાવાળી એક ખુરશી હતી. તેના પર બેસીને મારી માતા ભરત ગુંથણનું કામ કર્યા કરતી જેથી કપડું જમીન પર પથરાઈને ધૂળવાળું ન થાય.
ત્યારે મારી ઉંમર બહુ બહુ તો ત્રણ કે ચાર વર્ષની હશે. એ ઉંચી ખુરશીના પાયા પકડી હું જોયા કરતો કે એક મોટા કપડાં પર ભરત કામ માટે ખાસ બનાવેલી રિંગમાં કપડાને ગોઠવી, રિંગની વચ્ચે મારી માતા દોરાથી કંઈક કર્યા કરતી. તે સમયની બાળસહજ સમજથી હું વિચારતો કે માતા આવું ચિત્રકામ મૂકીને મને પોતાના ખોળામાં બેસાડી આખો દિવસ વહાલ કેમ નહીં કરતી હોય? હું ખુરશીના પાયા પકડી આ મૂંઝવણ માતાને કહેતો પણ મા તો માત્ર હસતી રહેતી. પાયા પકડીને ઉભો રહું ત્યારે માના ખોળામાંની પેલી રિંગમાં મને નીચેથી આડાઅવળા અને બિલકુલ ગૂંચવાઈ ગયેલા જુદા જુદા રંગના દોરાઓ જ દેખાતાં. મને એ વાત જરાય સમજાતી નહીં કે તદન વિચિત્ર લાગતા આ ભરતકામની માટે માતા મારી ઉપર ધ્યાન કેમ નહીં આપતી હોય ? મને ખૂબ જ ગુસ્સો ચડતો પણ મા એટલું જ કહેતી કે બેટા, ત્યાંથી તને જે ભરતકામ ગંદુ કે અર્થહીન કે ગૂંચવાયેલું લાગશે પણ ગુસ્સો ન કરીશ.
મેં માની લીધેલી ઉપેક્ષા અને એમાંથી પ્રગટતી ફરિયાદો વાળું આવું વાતાવરણ થોડા અઠવાડિયા સુધી ચાલ્યું. એક દિવસ માતાએ મને તેડી પોતાના ખોળામાં બેસાડયો અને પહેલું ગંદુ, અર્થહીન અને આડાઅવળા દોરાંથી ગૂંચવાયેલું ભરતકામ મને બતાવ્યું. અદભૂત કલાકૃતિનો જેવું દેખાતું ભરતકામ જોઇને હું ખુશખુશાલ અને ભાવવિભોર થઈ ગયો.
માએ એ સમયે જે કહ્યું તે મારા માટે જીવનભરના જ્ઞાનથી જરાય કમ નથી માએ કહ્યું હતું કે બેટા આપણને નીચેથી જે ડિઝાઇન અર્થહીન લાગતી હોય તે વાસ્તવમાં ઉપરથી અદભુત જ હોય તેવું બને.
જીવનમાં જ્યારે જ્યારે પણ ચોતરફ પ્રવર્તમાન અવ્યવસ્થાથી ત્રાસીને ઈશ્વરને ફરિયાદ કરવાનું મન થાય છે ત્યારે ત્યારે માતાના આ શબ્દોએ પરિસ્થિતિને નવી નજરે જોવાની પ્રેરણા આપી છે. આપણે જ્યાં છીએ ત્યાંથી જે અવ્યવસ્થા લાગે છે તે વાસ્તવમાં ઉપરથી અદભુત દેખાતી કોઈ કલાકૃતિ જ હશે એવી શ્રદ્ધા બળવાન બનતી હંમેશા અનુભવું છું.
(એક પાદરીની આત્મકથાના ઇન્ટરનેટ પરથી લીધેલા અંશનો ભાવાનુવાદ)
-પ્રણવ ત્રિવેદી
Comments