ગતિ અને ગંતવ્ય
ગતિ અને ગંતવ્ય
એક સરસ સવાલ કોઇકે પુછ્યો છે કે એવું ક્યુ કાર્ય છે જે સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે કરતી હોય છે? જવાબ માટે અનેક વિકલ્પો છે પણ મને સૌથી વધુ બંધબેસતો લાગ્યો એ જવાબ આ છે. *સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે ગતિ કરી રહી છે*. જીવન એ ગતિ નો પર્યાય છે. ગતિ અટકી એટ્લે જીવન અટક્યું. અરે માત્ર જીવની જ વાત શા માટે? વાયુ કે અગ્નિ કે જળનું અસ્તિત્વ જ ગતિશીલતા પર આધારિત છે. બ્રહમાંડમાં ગ્રહો, ઉપગ્રહો, સૂર્યમાળાઓ, સઘળું ગતિમાન છે અને એટલે જ એ છે. અંહી એક સુક્ષમ તફાવત સમજવો રહ્યો. સ્થિરતા અને ગતિહીનતા બંને અલગ બાબત છે. સ્થિરતા એ સમતોલપણા સાથે સંકળાયેલી ઘટના છે જ્યારે ગતિહીનતા એ નિર્જીવપણાની નિશાની છે. જમીન સ્થિર છે પણ નિર્જીવ નથી કારણકે પૃથ્વી પોતે ગતિમાન છે. એટલે જ કદાચ શાસ્ત્રો “ચરેવૈતી...ચરેવૈતી..“ ઉચ્ચારે છે.
કાળની કેડી પર સતત ચાલવું એટ્લે જ જીવવું. અંહી ગતિ એ ઝડપના અર્થમાં નથી પણ વૃધ્ધિના અને વિકાસના સંદર્ભમાં છે. એટલા માટે જ ઘણા શબ્દ પ્રયોગોમાં “ચાલવું” સમાવિષ્ટ છે. જેમકે મગજ ચાલવું, બુધ્ધિ ચાલવી, શ્વાસ ચાલવા, શું ચાલે છે ?, બસ સારું ચાલે છે. વગેરે.
હમણાં એક વડીલની ખબર પૂછવા જવાનું બન્યું ત્યારે એમણે કહ્યું કે આખી જીંદગી ટટ્ટાર રહી જીવ્યા પછી પથારીમાં રહી સૌની સેવા લેવી ગમતી નથી.એ વ્યથા પર વિચારતા વિચારતા જે સમજણ સ્પષ્ટ થઈ એ આજે વહેંચવી છે. જીવનની ગતિને વિવિધ તબક્કામાં વહેંચી શકાય. પ્રથમ તબક્કો એટ્લે બાલયાવસ્થા આ સમય દરમિયાન મતિ(બુધ્ધિ)નો પણ એક લય અને ગતિ હોય છે.બાળકમાં સમજણ અને બુધ્ધિનો વિકાસ આ સમયમાં થાય તે જરૂરી છે. એ પછી યુવાવસ્થાનો તબક્કો. આ સમય ગતિ પ્રધાન હોય છે. બાળસહજ ચંચલતાને ક્રમિક સ્વરૂપે ગતિમાં પરાવર્તિત થતી જોઈ શકાય છે અને યુવાવસ્થા સુધીમાં ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ વાળો સમય આવી પહોંચે છે. પાંત્રીસી બાદ પ્રગતિનો સમય હોય છે. સામાજિક, આર્થિક, બૌધિક અને કૌટુંબિક ક્ષેત્રે વ્યક્તિની પ્રગતિનો આ ગાળો હોય છે. સૌની ફરિયાદ અને સૌનો અનુભવ છે કે આ સમયમાં જીવન તેજ ગતિ એ પસાર થાય છે. હવે આ ત્રણેય તબક્કા કઈ રીતે પસાર થયા છે એના પર અંતિમ તબક્કો જે શરણાગતિનો તબક્કો છે તેનો આધાર છે. સામાન્ય રીતે સાઠ-પાંસઠ પછીનો સમય શરણાગતિનો સમય છે જ્યાં સમય, સંજોગો અને નિયતિ સામે શરણ સ્વીકારવાની તૈયારી અને સજ્જતા અંદરથી જ જાગે છે.
પેલા વડીલની વાતમાં જે વેદના હતી એનો ઉપાય શરણાગતિના સહજ સ્વીકારમાં જ રહેલો છે. નિયતિના શરણે ”યથા યોગ્યમ તથા કુરુ“ કહી સ્વીકારભાવ કેળવવો એ જ આ સમયને પસાર કરવાની શ્રેષ્ઠતમ રીત છે. આમ આપણી જીંદગી મતિ, ગતિ, પ્રગતિ અને શરણાગતિના ક્રમમાં ચાલતી રહે છે. બીજી રીતે કહીયે તો જીવનની સરિતા, કુતૂહલ-ઘાટ, સમજણ-ઘાટ, જ્ઞાન-ઘાટ, કર્મ-ઘાટ, સમર્પણ-ઘાટ અને શરણાગતિના ઘાટ પર જ અવિરત વહેતી રહે છે
-પ્રણવ ત્રિવેદી
Comments