વૃક્ષાલાપ
વૃક્ષાલાપ
હે વૃક્ષ,
આજે તારી સાથે વાતો કરવી છે
ઈશ્વરનું અસ્તિત્વ
જેમ પૃથ્વી પર કણ-કણમાં છે એમ
પૃથ્વીનો એવો કયો
ભાગ હશે જ્યાં તારી હાજરી ન હોય?
હે વૃક્ષ,
બાળપણથી
તને જોતો આવ્યો છું
મેં જોયું છે તને પર્ણ વિહીન અવસ્થામાં,
મેં જોયું છે તને લીલાછમ અવતારમાં,
મેં જોયું છે તને પરિસ્થિતિ સામે ટક્કર ઝીલતા,
દૂરથી વહી આવતો પવન ક્યારેક તને વ્હાલ કરે છે તો ક્યારેક તારી છેડતી પણ કરે છે
એ પણ મેં જોયું છે..
એજ પવન ક્યારેક મચી પડે છે તારા સમૂળગા વિનાશ માટે પણ ..
હે વૃક્ષ,
મેં જોઈ છે તારી સ્થિરતા આ દરેક સંજોગોમાં,
વ્હાલથી સ્પર્શીને વહી જતા પવન પ્રત્યે પણ
તને આસક્તિ નથી થઈ અને
છેડતી કરતાં પવન સાથે પણ
ક્યારેય તેં ગુસ્સો નથી કર્યો.
આંધી સ્વરૂપે આવતા પવનને
તે ક્યારેય ક્રોધિત થઈ શ્રાપ નથી આપ્યો
જ્યાં સુધી
તારી ક્ષમતા એ તને સાથ આપ્યો ત્યાં સુધી તેં
આંધીનો સામનો કર્યો છે
પણ
જ્યારે ક્ષમતા ઓસરવા લાગી ત્યારે શરણાગતિ સ્વીકારવામાં પણ કોઈ નાનમ તેં નથી અનુભવી.
મેં જોયું છે તને ગગનગામી ઊંચાઇઓ પ્રાપ્ત કરતા...
જોયો છે મેં તારો વિકાસ અને વિનાશ પણ ...
હે વૃક્ષ,
ડાળીએ ડાળીએ
ઉઠતા કલરવને તેં આપેલો આશરો પણ જોયો છે
અને એ જ કલરવને
રોજ રાત્રે ઉડી જતાં જોયાં છે.
હે વૃક્ષ,
તારા શરીર પર કોતરાતાં નામો વચ્ચે પણ
તને અલિપ્ત રહેતાં મેં જોયું છે
ક્યારેક વૈશાખી બપોરે
તારી છાયામાં આરામ કરતાં
પ્રાણીઓને કે એ પ્રાણીઓના
માલિકને પણ મેં જોયાં છે..
અને આ દરેક વખતે
તારું સ્વરૂપ અલગ-અલગ હોય છે
એવું પણ મેં નિરખ્યું છે
હે વૃક્ષ,
આમ તો
આ સરખામણી જ અસ્થાને છે
પણ
હંમેશા એક જગ્યાએ જ રહીને પણ
તેં માનવીના મન કરતા પણ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે
મને તું ગમે છે એનું કારણ એ છે
કે તેં પ્રણયના, સમાનતાના, સહનશીલતાના અનેક કાવ્યો પોતાના પાંદડાઓ પર લખ્યા છે
સાચું કહું ?
મને તારી ઈર્ષા થાય છે ...
ઘણીવાર અરીસા સામે જોઇને હું મને જ આદેશ આપું છું કે જા, આવતા જન્મે વૃક્ષ બનજે..
અમે બાળકો નાના હતા ત્યારે વડીલો પૂછતાં કે મોટો થઈને શું બનીશ?
ત્યારે જવાબમાં અમારા સપનાઓને રોપી દેતાં પણ
આજે અડધી સદીની જીવન યાત્રા પછી
કદાચ કોઈ આવીને મને પૂછે કે
આવતા ભવે શું બનીશ ?
તો હું બેધડક કહીશ કે હું વૃક્ષ બનીશ.
અડીખમ વૃક્ષ , જાજરમાન વૃક્ષ
અને પોતાના હાથની ડાળીઓને ફેલાવીને
સમગ્ર જીવસૃષ્ટિને પોતાના વાત્સલ્યમાં
સમાવી લેવા આતુર વૃક્ષ..
મને એવું હંમેશાં લાગ્યું છે કે વડિલોએ પોતાના બાળકને એવાં આશીર્વાદ જ આપવા જોઈએ કે
તું વૃક્ષ જેવો બન...
તારી પાસે શું નથી ?
વૈભવ છે, એશ્વર્ય છે,
લીલીછમ લાગણીનો વૈભવ છે,
સૂર્યનું સખ્ય છે
અને હવા સાથે સ્નેહસભર
અખિલાઈ પણ છે.
અને આ બધું જ હોવા છતાં કોઈ વસ્તુનો ગર્વ ક્યાં કર્યો છે તેં?
હે વૃક્ષ
તારા વૃક્ષત્વની મને ઈર્ષા થાય છે
તારી સહનશીલતાની મને ઈર્ષા થાય છે
માત્ર આપ્યા જ કરવાની તારી વૃત્તિઓની મને ઈર્ષા થાય છે
અને આ બધી ઈર્ષા વૃત્તિમાંથી
જન્મે છે મારી અંદર લઘુતાગ્રંથિનો ભાવ..
માનવ તરીકે હું કેટલો વામણો છું એક વૃક્ષ પાસે
એ વિચારે ગ્લાનિ અનુભવું છું..
વૃક્ષ
તને હું ચાહું છું એમ
ત્યાં સુધી નહીં કહી શકું જ્યાં સુધી હું
વૃક્ષ બનીને જીવું નહીં.
આજના દિવસનો
આ મંત્ર મારે કણકણમાં ફેલાવવો છે
ઓમ વૃક્ષાય નમઃ ....
(વૃક્ષાલાપ : પ્રણવ ત્રિવેદી)
Comments