ઋણ સ્વીકાર

 


મને એવું લાગે છે કે શબ્દ સાથેનું મારું અનુસંધાન જન્મોજન્મનું હશે. શબ્દનું સંમોહન જ મને બેંકની નોકરી સાથે સાહિત્ય ક્ષેત્રે પણ પ્રવૃત્ત રાખે છે. પ્રથમ સ્વાગતોક્તિ પ્રકારનું  લખાણ 1985ના વરસમાં કાગળ પર ઉતાર્યું એ પછી છેક 2007માં મિત્ર શ્રી કમલેશ પંડયાના પ્રેમાગ્રહ પછી 'ગ્રીનલીફ' નામક પુસ્તિકા પ્રસિદ્ધ કરી. અનેક ત્રુટીઓ છતાં મિત્રોએ આવકાર આપ્યો..એ પછીના સમયમાં વિચારોનું શબ્દાવતરણ તો ચાલું જ રહ્યું..અને શબ્દઅનુરાગી મિત્ર શ્રી સંજય ઉપાધ્યાયના તથા પરિવારજનોના પ્રોત્સાહન પછી "ચબરખી"નો પિંડ બંધાયો. પ્રસ્તાવના માટે એક બે લેખક વિવેચક વ્યક્તિઓનો સંપર્ક કર્યો પણ એ શક્ય ન બન્યું. વીસેક વર્ષ પૂર્વે જેમની સાથે એક હોસ્પિટલના બાંકડે ગોષ્ઠી કરેલી અને એકાદ વખત પત્રવ્યવહાર પણ કરેલો એવા સાહિત્યકાર અને ઉમદા વ્યક્તિત્વના માલિક શ્રી ભાગ્યેશભાઈ જહાંનો પ્રસ્તાવના માટે સંપર્ક કર્યો અને એમણે તૈયારી બતાવી એ મારા સદભાગ્ય સમજુ છું. એમની સહૃદયતા એટલી કે વિદેશ જતા જતા એરપોર્ટ પર પ્રસ્તાવનાનો ઓડિયો રેકર્ડ કરી મને મોકલી આપ્યો. સાહિત્ય મર્મજ્ઞ હોવાં છતાં જે પોતાને વાચક તરીકે જ ઓળખાવે છે એવા વિનમ્ર મિત્ર શ્રી સંજય ઉપાધ્યાયે પણ આવકારનો ઉદગાર આપ્યો. જીવનસંગીનીએ માત્ર આ પુસ્તક માટે વિદ્યાપીઠમાં પ્રુફ રીડિંગનો અભ્યાસ કર્યો..આમ 'ચબરખી'નો જન્મ થયો. પ્રકાશન પાછળ વિચારોની વહેંચણી સિવાય કોઈ જ આશય ન હતો. અચાનક જ ગુજરાત સાહિત્ય અકાદમીએ નિબંધની શ્રેણીમાં તૃતિય પુરસ્કાર જાહેર કર્યો.. એમની પ્રભાવક શૈલી અને લાલિત્ય સભર લખાણો માટે મને હંમેશા જેમના માટે આદર અને સન્માન રહ્યું છે એવા મુ.શ્રી દરજીસાહેબ (પદ્મશ્રી શ્રી પ્રવીણ દરજી) આ પુરસ્કાર માટે પરામર્શક હતા એ મારા માટે વિશેષ અહોભાગ્યની વાત છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને અકાદમી અધ્યક્ષ શ્રી પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડયાનો આભારી છું. આ પ્રોત્સાહનથી લઈ  પુરસ્કાર સુધીના ઘટનાક્રમમાં સંકળાયેલા સૌનો આભારી છું. વિશેષ તો કોઈ  'ચબરખી' વાંચીને જ્યારે એમ કહે કે વાંચવાની મજા આવી ત્યારે અનુભવાતી સંતુષ્ટિ એ સૌને અર્પણ...

Comments