એક ધન્ય સાંજની વાત

મોરબી નજીક મચ્છુ નદી પરના સુપ્રસિદ્ધ બંધની નજીક ત્રણેક એકરમાં જતનથી ઉછેરેલા વૃક્ષો વચ્ચેનું એક પવિત્ર સ્થળ એટલે સરસ્વતી નિકેતન આશ્રમ. વિદ્વતાપૂર્ણ વ્યક્તિત્વ અને છતાંય સતત અભ્યાસ માટે તત્પર શ્રી ભાણદેવજીનો આ આશ્રમ. પ્રકૃત્તિદત્ત પવિત્રતા અને અલૌકિક શાંતિની અનુભૂતિ વાળી જગ્યા. જેના નામ સાંભળ્યાં હોય પણ ક્યારેય જોયાં ન હોય એવાં વૃક્ષો ત્યાં જતનપૂર્વક વિકસ્યા છે. બિલ્વપત્રનું વિશાળ વૃક્ષ, અમૃતફળ આમળાના હારબંધ વૃક્ષો અને સમૃધ્ધ વનસ્પતિ વિશ્વ વચ્ચે જ્યારે ચંદનના વૃક્ષના દર્શન થયાં ત્યારે મનોમન અહોભાવ અનુભવ્યો. શ્રી ભાણદેવજીને થોડાં વર્ષો પહેલાં અલપઝલપ મળવાનું થયેલું પરંતુ એમના વધુ પુસ્તકો વાંચ્યા પછી અને ખાસ તો 'વજ્રયાન' વાંચ્યા પછી એમને મળવાની તાલાવેલી લાગી. તા. 22 ઓગસ્ટના દિવસે એ તક મળી. ઉંમરના સાત દશક પછી પણ યોગાભ્યાસ અને નિયમિત સાત્વિક જીવનને કારણે તંદુરસ્તી જાળવીને અભ્યાસ અને અર્જિત જ્ઞાન વૈભવને શબ્દદેહ આપવામાં વ્યસ્ત શ્રી ભાણદેવજી એ અમને એમનો આશ્રમ, પુસ્તકાલય, યજ્ઞશાળા અને પૂજા ખંડ, ધ્યાનખંડ વગેરે બતાવી વાર્તાલાપ શરું કર્યો. વાતોનો વિષય અને સંદર્ભો અનેક હતાં પણ શબ્દે શબ્દે સ્...