એક ધન્ય સાંજની વાત


મોરબી નજીક મચ્છુ નદી પરના સુપ્રસિદ્ધ બંધની નજીક ત્રણેક એકરમાં જતનથી ઉછેરેલા વૃક્ષો વચ્ચેનું એક પવિત્ર સ્થળ એટલે સરસ્વતી નિકેતન આશ્રમ. વિદ્વતાપૂર્ણ વ્યક્તિત્વ અને છતાંય સતત અભ્યાસ માટે તત્પર શ્રી ભાણદેવજીનો આ આશ્રમ. પ્રકૃત્તિદત્ત પવિત્રતા અને અલૌકિક શાંતિની અનુભૂતિ વાળી જગ્યા. જેના નામ સાંભળ્યાં હોય પણ ક્યારેય જોયાં ન હોય એવાં વૃક્ષો ત્યાં જતનપૂર્વક વિકસ્યા છે. બિલ્વપત્રનું વિશાળ વૃક્ષ, અમૃતફળ આમળાના હારબંધ વૃક્ષો અને સમૃધ્ધ વનસ્પતિ વિશ્વ વચ્ચે જ્યારે ચંદનના વૃક્ષના દર્શન થયાં ત્યારે મનોમન અહોભાવ અનુભવ્યો.

શ્રી ભાણદેવજીને થોડાં વર્ષો પહેલાં અલપઝલપ મળવાનું થયેલું પરંતુ એમના વધુ પુસ્તકો વાંચ્યા પછી અને ખાસ તો 'વજ્રયાન' વાંચ્યા પછી એમને મળવાની તાલાવેલી લાગી. તા. 22 ઓગસ્ટના દિવસે એ તક મળી. ઉંમરના સાત દશક પછી પણ યોગાભ્યાસ અને નિયમિત સાત્વિક જીવનને કારણે તંદુરસ્તી જાળવીને અભ્યાસ અને અર્જિત જ્ઞાન વૈભવને શબ્દદેહ આપવામાં વ્યસ્ત શ્રી ભાણદેવજી એ અમને એમનો આશ્રમ, પુસ્તકાલય, યજ્ઞશાળા અને પૂજા ખંડ, ધ્યાનખંડ વગેરે બતાવી વાર્તાલાપ શરું કર્યો. 

વાતોનો વિષય અને સંદર્ભો અનેક હતાં પણ શબ્દે શબ્દે સ્વઅનુભવનો રણકાર હતો અને સંશોધનની સુવાસ પણ હતી. ભારેખમ આધ્યાત્મની વાતો નહીં પણ સરળ અને સહજ વાતો વડે જીવનની ગહનતા તરફ આંગળી પકડી લઇ જતા વડીલ જેવું વ્યક્તિત્વ. અત્યાર સુધીમાં એમના વિવિધ વિષયો પરના પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંખ્યા ૧૭૫ થી પણ વધુ છે. એમના કરતુત્વ અને જીવન પર એક વ્યક્તિ શોધનિબંધ તૈયાર કરી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરે એ કંઈ નાનુસૂનું સન્માન નથી. એક વિશ્વવિદ્યાલય એમને ડૉક્ટરેટની માનદ પદવી પણ એનાયત કરે એ એમની વિદ્વતાનું સન્માન છે. સાંજે ચાર થી છ વાગ્યા દરમિયાન દરેક આગુંતકો સાથે સરળ ભાષામાં નિર્દોષ હાસ્ય સાથે જ્ઞાનમૃત પીરસતા આ વ્યક્તિત્વને મળવાથી મન ઉર્જાવાન બનતું અનુભવ્યું છે. 

મારા પુસ્તક "ચબરખી"નો સ્વીકાર કરી બીજી નકલ પર પોતાના સુંદર, સુરેખ અને પ્રભાવક હસ્તાક્ષરો વડે આશીર્વચન લખી આપ્યા એ ક્ષણ મારી સ્મરણમંજુશામાં ઝવેરાતની માફક સાચવાશે. 

પ્રણવ ત્રિવેદી


Comments