એક સવાર ઊગી, કવિ સાથે


એક અવિસ્મરણીય સવાર....

‘મને પાનખરની બીક ન બતાવો’ એવી ખુમારી અને ‘કેસરિયાળો સાફો ઘરનું ફળીયું લઈને ચાલે’ એવી સંવેદના ધરાવતા કવિ એટલે શ્રી અનિલ જોશી. વર્ષ ૧૯૭૦માં ‘કદાચ’ નામનો અને ૧૯૮૧માં ‘બરફના પંખી’ એ નામનો કાવ્યસંગ્રહ આપનાર આ કવિને એમના ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ. બાદમાં ૧૯૮૮માં ‘પવનની વ્યાસપીઠે’ નામે પણ એક સરસ નિબંધ સંગ્રહ ભાવકો સુધી પંહોચ્યો છે. આ સિવાય એમના  ‘બૉલપેન’, ‘દિવસને અંધારું છે’ વગેરે નિબંધ સંચયો પણ ગુજરાતી વાચકોએ માણ્યા છે.

જેમનો સાહિત્ય વૈભવ વરસો સુધી માણીએ અને અચાનક ખબર પડે કે એ વ્યક્તિ મારા શહેરમાં છે પછી હૈયું હાથ કેમ રહે? ૨૫ ડિસમ્બરે નવજીવનની ભૂમિ પર જેમના આત્મા કથાનકનું વિમોચન થયું. કૌટુંબિક વ્યસ્તતાને કારણે એ કાર્યક્રમ ન માણી શકાયાનો અફસોસ હજુ શમ્યો ન હતો ત્યાં જ 28 ડિસેમ્બરની સવારે ખબર પડી કે કવિ-લેખક શ્રી અનિલ જોશી અમદાવાદમાં છે. એમની પાસેથી ફોન પર મંજૂરી મળ્યા પછી પંદરમી મિનિટે હું, ૮૨ વર્ષની વયે પણ વિચારોની તાજગી અને ઊર્મિશીલતાથી સમૃધ્ધ એવા શ્રી અનિલ જોશીની સામે બેઠો હતો. મળવાના નિમિત્તમાં ઉપર લખ્યા એ ગીતોની મનમાં ગુંજ્યાં કરતી પંક્તિઓ અને મારા પુસ્તક ‘ચબરખી’ માટે આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઝંખના સિવાય કશું નહીં. પછી નેવું મિનિટમાં થયેલી અઢળક વાતોનો વિસ્તાર સાહિત્યના સ્વરૂપોથી લઈને વૈશ્વિક તેમજ ગુજરાતી સિવાયની અન્ય ભારતીય ભાષાઓના વૈભવ સુધી પથરાયો. 

સૌરાષ્ટ્રના ગોંડલમાં જન્મેલા શ્રી અનિલ જોશી ગુજરાતનાં વિવધ પ્રદેશોમાં રહ્યા છે.  લગભગ છ દાયકા પહેલાં અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાં મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશી પાસે જેમણે અભ્યાસ કર્યો હોય, શ્રી કુમારપાળ દેસાઇ કે શ્રી લાભશંકર ઠાકર જેવા જેના સહાધ્યાયીઓ હોય એમની અસ્ખલિત વાતોમાં અખૂટ ભાવવૈવિધ્ય, લખલૂંટ સંવેદના સમૃધ્ધિ અને સાહિત્યની ત્રીજી પેઢી પ્રત્યે આશા અને નિરાશા બધું હતું. લગભગ પાંચેક દાયકાના મુંબઈના નિવાસ દરમિયાન અન્ય ભાષાઓના સાહિત્યને ભરપૂર માણ્યાની વાત કરનાર કવિને સહેજ રંજ પણ હતો કે ગુજરાતની બહાર રહેવાથી વૈશ્વિક સાહિત્યનો લાભ મળે પણ સ્થાનિક સર્જકો સાથેનો સંપર્ક સતત ન રહે. એક સરસ વાત એમણે  એ કહી કે કોઈ સર્જકે  પોતાના સર્જનને કોઈ એક પ્રકારમાં બાંધી ન રાખવું જોઈએ. સાહિત્ય એ તો અભિવ્યક્તિની ચરમ સીમાએ જન્મે છે અને એટલે  જ એમણે  સોનેટ પણ લખ્યાં, ગીતો અને ગઝલો પણ કલમસ્થ કરી. ચિંતનાત્મક અને લલિત નિબંધો પણ લખ્યાં. 

ધર્મની અને અધ્યાત્મની ભેદરેખા ન સમજી શકનાર લોકો માટે કવિશ્રીને આક્રોશ તો ખરો પણ એ ભેદરેખાને પોતાના સ્વાર્થ માટે પોષનારાઓ માટે અને ધર્મના નામે ખેલાતા રાજકારણ માટે પણ એમના મનમાં ભારોભાર નફરત. વાતોના પ્રવાહમાં રામ અને કૃષ્ણ વચ્ચેની સમાનતા અને અસમાનતા બાબતે પણ એમનુ અભ્યાસપૂર્ણ અવલોકન માનવાનો લહાવો મળ્યો, એમના વિચારો સ્પષ્ટ અને તાર્કિક છે. સૌને સાચું કહી દેવાનો ધારદાર સ્વભાવ આ બ્રાહમણ ખોળિયામાં સ્વાભાવિક પણે જ વિદ્યમાન છે. પણ એ ધાર સ્પસ્ટ વક્તાની નહીં પરંતુ તીક્ષ્ણ સંવેદનાઓની છે એ બહુ જલ્દી સમજાય જાય તેમ છે. 

મારા પુસ્તક ‘ચબરખી’ પર કવિના હસ્તાક્ષર અને મનમાં અઢળક આદર સાથે એમની વિદાય લીધી એ સમયે આ કવિતા મનપ્રદેશે વિહાર કરી રહી હતી.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, 

જાન ઊઘલતી મ્હાલે,

કેસરિયાળો સાફો 

ઘરનું ફળિયું લઈને ચાલે-

પાદર બેસી ફફડી ઉઠતી 

ઘરચોળાની ભાત,

ડૂસકે ડૂસકે હડસેલાતી 

બાળપણાની વાત;

પૈડું સીંચતા રસ્તો આખો 

કોલાહલમાં ખૂંપે,

શૈશવથી ચીતરેલી શેરી 

સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો 

દીવડો થરથર કંપે;

ખડકી પાસે ઊભો રહીને 

અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,

જાન ઊઘલતી મ્હાલે,

કેસરિયાળો સાફો 

ઘરનું ફળિયું લઈને ચાલે.

આલેખન : પ્રણવ ત્રિવેદી

Comments