થાક આખરે છે શું ?

વધતા જતા ઉપયોગીતાવાદના આજના સમયમાં જે તણાવની આપણે અવારનવાર વાત કરતા હોઇએ છીએ તે તણાવ વાસ્તવમાં મનનો થાક હોય છે. સંજોગોથી કે સમસ્યાઓની સાથે લડતાં લડતાં મનને શ્રમ કરવો પડે છે તેનો તે થાક અનુભવે છે. આજકાલ આત્મહત્યાના જે કોઇ બનાવો વધી રહ્યા છે તેની પાછળ પણ અસહ્ય બની ગયેલો માનસિક થાક જ હોય છે. આ થાક એ શું છે? થાક અને કંટાળો એ સામાન્ય રીતે બે બાબતોથી આવે છે. એક તો આપણે રોજબરોજ કરવા પડતાં કામો આપણી રૂચિ પ્રમાણેના ન હોય અને બીજું કારણ છે એકધારી રોજીંદી ઘટમાળ. પરાણે કરવા પડતાં કામોથી લાગતો થાક દૂર કરવા માટે શું કરવું? પ્રકૃત્તિનો એક નિયમ છે કે જે કામમાંથી આનંદ મળે તે કામનો કદી થાક ન લાગે. રોજ સાયકલ પર દસ માઇલના વિસ્તારમાં છાપા વેચનારને થાક લાગે પણ હજારો માઇલનો સાયકલ પ્રવાસ કરનારને થાક ન લાગે એવું બનતું હોય છે.સાપ અને નોળિયાની દુશ્મની જગજાહેર છે. કહેવાય છે કે એ બન્નેની લડાઇમાં જ્યારે નોળિયો થાકે ત્યારે નોળવેલ તરીકે ઓળખાતી એક વનસ્પતિના મુળ ખાઇ આવે છે જેનાથી તે ફરી લડવા માટે તૈયાર થઈ જાય છે. આપણા દરેકના જીવનમાં પણ એક નોળવેલ નામની વનસ્પતિ હશે જ. સવાલ તેને શોધી તેનો ઉપયોગ કરવાનો છે. એ વનસ્પતિ સંગીતમાં પણ હોય શકે અને સાહિત્યમાં પણ હોઇ શકે. મિત્રતામાં ય હોઇ શકે અને સમાજસેવામાં પણ હોઇ શકે. પ્રવાસમાં પણ હોઇ શકે અને એકાંતમાં પણ હોઇ શકે. શર્ત એટલી જ છે કે આપણા થાકના પોટલાં ઉતરવાનું ઠેકાણું આપણે જ શોધી શકીએ કોઇ બીજી વ્યક્તિ બહુ બહુ તો મદદ કરી શકે. થાક કે કંટાળાનું એક બીજું કારણ પણ જડે છે. દરેક વખતે સમય અને સંજોગો આપણને અનૂકુળ જ હોય તેવું નથી હોતું પરિણામે તેને અનુકૂળ થવા માટે આપણે જે પ્રયત્ન કરીએ તેમાં બમણી ઉર્જાનો વપરાશ થતો હોવાથી આમ બનતું હોય છે. મનની ઉર્જા હંમેશા એવી પ્રવૃત્તિમાંથી જ પ્રાપ્ત થાય છે જેમાં આનંદનો અનુભવ થતો હોય. આનંદની પળોમાં મન અને શરીર પ્રાણવાયુનો ન્યુનતમ વપરાશ કરતાં હોય છે. બીજી રીતે જોઇએ તો આપણો માનસિક થાક એ આપણા 'બિઇંગ' અને 'બિકમિંગ' વચ્ચે અસંતુલનનું પરિણામ હોય છે. વિખ્યાત રામાયણી પૂ.મોરારીબાપુએ આ વાતને એક કથામાં બહુ અસરકારક રીતે સમજાવી હતી. તેમણે કહ્યુ કે એક નાટક ભજવાતું હોય અને તેમા એક વ્યક્તિ રાજા ભરથરીનું પાત્ર ભજવતો હોય તો સમગ્ર નાટકના ત્રણ કલાક દરમિયાન પુરેપુરા જોશ અને સ્ફૂર્તિથી તે માણસ પાત્ર ભજવશે પણ જેવા એ ત્રણ કલાક પુરાં થશે કે તરત જ તે વ્યક્તિ મંચની પાછળ જઈ થાકથી બેસી જશે અને ચા કે એવાં બીજા થાક ઉતારવાના નુસ્ખા અજમાવશે. આમ શું કામ બન્યું? પૂ. બાપુએ કહ્યું તે પ્રમાણે તે માણસ "જે" નથી "તે" બનવાનો ત્રણ કલાક સુધી તેણે શ્રમ કર્યો તેનો તેને થાક લાગ્યો હોય છે. વિચાર કરતાં આ વાત તદન સાચી લાગે છે. આપણે જે નથી એટલે કે જે આપણું "બિઇંગ" છે તે સિવાયનું કંઇક બનવાના યત્નોમાં આપણી ઉર્જા ખૂટી પડે છે. આનો ઉપાય એજ લાગે છે કે આપણા "બિઇંગ"ને ઓળખી તે પ્રમાણે આપણા જીવનનું સુકાન રાખવામાં આવે તો કદાચ જીવનમાં હતાશાના કે થાકના પ્રસંગો ઓછા આવશે.

Comments

jayesh dave said…
વાહ....., ખુબ સરસ
Tejal said…
તદ્દન સાચી વાત સર 🙏🙏
Unknown said…
Excellent 👍