Sunday, January 16, 2011

ગુજરાતના લોકપ્રિય અને સાહિત્યપ્રેમી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આ બ્લોગના સંચાલક અને "ગ્રીનલીફ" પુસ્તિકાના લેખકની મુલાકાત

સજી સઘળાં શણગાર, તું રાહ જોજે
કોઇ આવ્યાનો છે અણસાર, તું રાહ જોજે

માર્ગ પ્રેમનો જ લઈ જશે પરમ સુધી
વાત એ થશે પુરવાર, તું રાહ જોજે

મનગમતો પગરવ સાંભળવા ઝુરવું પડે
લઈ શબરીનો અવતાર, તું રાહ જોજે

હ્રદયની ભાષાજ પહોંચે છે હ્રદય સુધી
તજી દઈ તર્કની તલવાર, તું રાહ જોજે

Wednesday, May 27, 2009

કદીક વમળની વાતો અને કદીક કમળની વાતો
સદીઓથી સાંભળે છે પર્વત વહેતા જળની વાતો

લઈ વેરાન જીંદગી બેઠા હતાં સરવરની આશમાં
મિત્રો ત્યાં લઈને આવ્યા નર્યા મૃગજળની વાતો

જે કદી વરસતું પણ નથી ને ગરજતું પણ નથી
આકાશને પણ પીડે છે એવાં એક વાદળની વાતો

સદીઓ સુધી જીવી શકાય છે બસ એના આધારે
નથી ભુલાતી એવી એકાદ અનોખી પળની વાતો

ક્યારેક વિધિના લેખથી પણ એ ઉપર હોય છે
હસ્તરેખાઓમાં નથી હોતી એવાં અંજળની વાતો



Friday, February 06, 2009

આવ તું અને ઉજાસ લાવ તું
શબ્દો નિયતિના બદલાવ તું

શ્વાસનું પંખી પાંખ ફફડાવતું
હવે તો મળવા માટે આવ તું

ગઝલનો આખરી શબ્દ છું હું
બક્ષવા અમરત્વ, બિરદાવ તું

સદીઓ સુધી ભુલી ન શકાય
ક્ષણ એવી એકાદ વિતાવ તું

પ્રેમમાં કોઇ જીત્યું નથી કદી
જીંદગી દાવમાં ન લગાવ તું


ધુમ્મસ ધુમ્મસ, ઝાકળ ઝાકળ
દરિયો દરિયો, વાદળ વાદળ

સમયની રેત થઈ સરકતા સૌ
ના કોઇ આગળ ના કોઇ પાછળ

ક્યાંક એ મુક્તિ, ક્યાંક બંધન
સંબંધ કેવી અદભુત સાંકળ

ટહુકા માટે સહુ કોઇ તરસે
નીમ, વડલો કે આવળ બાવળ

ચોરી સુગંધ વાયરો ભાગ્યો
દોડે વગડો આખો એની પાછળ

Tuesday, December 02, 2008

આ ખીલવું, મહોરવું, ખરી પડવું શું ચીજ છે?
ને પછી વાયરાની સંગાથે ખખડવું શું ચીજ છે?

આ નિર્લેપ આકાશને કોઇ તો સમજાવો આ વાત
મળવાનો અર્થ શું અને બીછડવું શું ચીજ છે?

ને તે છતાંય કામ એનું કાબિલે તારિફ નીકળ્યું
બાકી ટેરવાંને શી ખબર કે રડવું શું ચીજ છે?

જ્યાં સુધી એક ટહુકાને પોતાનામાં કેદ ન કર્યો
પિંજરને નહોતી ખબર કે ફફડવું શું ચીજ છે?

એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે
બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે?

વ્યવહારૂ થઈ જીવ્યા તો નહી જાણી શકો કદી પણ
ઝુરવું તે શું અને એકલાં બબડવું શું ચીજ છે?

Saturday, November 22, 2008

અશ્રુભીની કોઈ પાંપણ રોકે છે મને
એટલે કે પારકી થાપણ રોકે છે મને

તારાથી દૂર જતા રસ્તે ચાલ્યો હતો
રસ્તામાં તારા સ્મરણ રોકે છે મને

એમ તો હું યે ક્યાં જવા રાજી હતો
તું આવજો કહીને પણ રોકે છે મને

એકલા પસાર થઈ જાત સદીઓ પણ
તને મળ્યાની એક ક્ષણ રોકે છે મને

આવજો કહેતા કૈંક ચહેરાઓ વચ્ચે
ખૂણે ઉભું એકાદ જણ રોકે છે મને

ગ્રંથ છુટ્યાં ને છોડી ગ્રંથીઓ પણ
શી ખબર ક્યું વળગણ રોકે છે મને

રક્તથીયે મજબુત એ સાબિત થયું
શબ્દ સાથેનું સગપણ રોકે છે મને

હાથ મિલાવ્યા એ કોઈ રોકાયા નહી
બસ એક તૂટેલું દર્પણ રોકે છે મને

અહંના પહાડો તો ઓગાળીયે શકાય
બસ એક પ્રેમાળ ઝરણ રોકે છે મને

Sunday, November 09, 2008

થઈ ગયો રેતી સિમેન્ટ ને સળિયાનો માણસ
હતો જે નેવાં, મોભ અને નળિયાંનો માણસ

સ્ક્વેર ફૂટના આટાપાટામાં જઈને અટવાયો
ઠીબ, ચબુતરો, ડેલી અને ફળિયાનો માણસ

એની ઇચ્છાઓનો દેશ વસ્યો નભને પેલે પાર
ટોચે પહોંચીનેય ન જંપ્યો તળિયાનો માણસ

ભાવ વિહોણી દુનિયામાં અભાવને આસ્વાદે
પેટભરીને પસ્તાયો ગંગાજળિયાનો* માણસ

શ્વાસે શ્વાસે બીજ વાવી લાગણીઓના પછી
ખાલીપો થઈને ખુટ્યો ઝળઝળિયાનો માણસ

(*ગંગાજળિયા=ભાવનગરના મધ્યમાં આવેલું તળાવ)

Sunday, October 12, 2008

કોઇક વિતાડે છે
કોઇક જીવાડે છે

હવા થકી ઉડ્યા
એ જ પછાડે છે

સમય તો બરફ
તો ય દઝાડે છે

સાંજે પર્ણ ખેરવી
સવારે ઉગાડે છે

એનાથી ના છૂપુ
જે તું સંતાડે છે

ખુદ ભલેને હારે
એ સૌને રમાડે છે