Posts

Showing posts from June, 2007

ચહેરો

વિસરાતો જ નથી લગીર એક ચહેરો નજરમાં થયો એમ સ્થિર એક ચહેરો અંતરની આંખોથી જ દેખાય જે સદા છે ભાગ્યની અદ્રશ્ય લકીર એક ચહેરો વિરહની વેદના વસમી હોય છે વેઠવી ઝુર્યા કરે છે યમુનાને તીર એક ચહેરો સ્નેહ ભીની આંખો ઇશ્વરથી કમ નથી હોય છે જાણે પવિત્ર મંદિર એક ચહેરો હસતા હૈયાની અસર દેખાય આંખોમાં અમસ્તો અમસ્તો ગંભીર છે એક ચહેરો

મોકલું છું...

ધરા-આભના ધોધમાર પ્રેમની વાત મોકલું છું પર્વતની પીઠ પર પ્રચંડ જળપ્રપાત મોકલું છું  તમે કે પછી ઇશ્વર, મોઢામોઢ ક્યાં મળો છો કવિતાઓ થકી લાગણીઓની વાત મોકલું છું મનમેળ વગરની દુનિયામાં મળું તોયે કોને સદીઓથી ઝંખેલી એક મુલાકાત મોકલું છું વિરહમાં વિતેલી રાતને વિસરી જવાય માટે કલરવ મઢ્યું એક સલુણું પ્રભાત મોકલું છું છે લાગણીના સંબંધોય સાત જનમથી એટલે સાત આકાશની સાથે દરિયાયે સાત મોકલું છું

આવો

ખુદ સાથે જો કરવી હોય યારી તો આવો મઝધારે ડુબવાની હોય તૈયારી તો આવો અર્થના અશ્વો તો ઉભા અંહી થનગનતા કરવી હોય શબ્દ રથમાં સવારી તો આવો અંહી ઝાકઝમાળ ને ઠાઠમાઠ તો છે નકામા હો મન ફક્કડ ને વળી અલગારી તો આવો હું શરસંધાન નહી પણ શબ્દસંધાન કરૂં છું લક્ષ્યવેધમાં ન ફાવતી હોય કારી તો આવો