મનની વાતો મહોરે જગતભરમાં એ જ સર્જકનું સપનું હોય છે..બસ એ જ દિશામાં એક નમ્ર પ્રયાસ ..
(કેટલાક મિત્રો અલગ અલગ બ્લોગ/સાઈટ પરથી રચનાઓ લઈને રચયિતાના ઉલ્લેખ વગર પોતાના બ્લોગ કે સાઈટ પર મૂકે છે એ પ્રવૃત્તિ ન કરવા વિનંતી છે.અંહી મૂકેલી તમામ સામગ્રી કોપી રાઈટ કાનૂનથી સુરક્ષિત છે.)
શક્યતાઓની પણ પેલે પાર મળીએ બની શકે તો બસ અપરંપાર મળીએ પછીની અવસ્થા જો એ જ હોય તો ચાલને પહેલેથી જ નિરાકાર મળીએ હું માટીનું ઢેફું અને તું અષાઢી વાદળ તરસના સોગંદ, અનરાધાર મળીએ બંધ કિલ્લા જેવા શરીરની વાત છોડ એવું કરીએ ક્યાંક બારોબાર મળીએ
આખા ઘરમાંથી ઉમટી આવી મને વિંટળાઇ જતી તારી સ્મૃતિઓ લઈને બહાર પગથિયા પર ઉભો છું, આથમણી દિશાએથી તારી સુવાસ લઈને વહી આવતો પવન મને કાનમાં કશુંક કહી જાય છે અને હું ઝંકૃત થઈ ઉઠું છું.. અનુભવું છું જીવનનું સંગીત.. અને આકાશ હસી પડે છે.. મારા ચહેરાં પર ફરતી મારી આંગળીઓ તારા પ્રગાઢ ચુંબનને વાંચે છે... અને વાતાવરણ સુગંધાઈ જાય છે. પ્રેમની પ્રથમ હુંફ રોમ રોમમાં પ્રગટે છે... અને હું આકાશમાં ઓગળી જાઉં છું.....
આજે તું ન આવ્યો... કદાચ કોઇ કામ આવી ગયું હશે.. કદાચ કોઇ મહેમાન હશે... કદાચ..... ... જો કે તું ન આવ્યો છતાંયે આમ તો કશું ખાસ નથી બન્યું બસ હવા જરાક નિશ્વાસ મુકીને વહી ગઈ, સ્ટ્રીટ લાઈટના થાંભલે બેઠેલી એક ચકલી ચીં ચીં બોલ્યા વગર જ ઉડી ગઈ; આમ તો ખાસ કશું ન બન્યું પણ આકાશમાં પ્રગટવા મથતા મેઘધનુષના કોઈએ ટુક્ડેટુકડા કરી નાખ્યાં; ને.. આખું આકાશ ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યું.. બસ એટલું જ.....