Posts

Showing posts from November, 2006

પાંદડું

ટહુકાઓની મીઠી સરભરા કરે છે પાંદડું ને એમ વૃક્ષના ખાલીપાને ભરે છે પાંદડું પંખી તો આવે,ટહુકે ને ઉડી પણ જાય ડાળી જો મુકે નિઃશ્વાસ તો ખરે છે પાંદડું  એટલે તો વાદળનેય વરસવાની હોંશ છે  લીલેરી લાગણીનો પાલવ ધરે છે પાંદડું  ફુલ તો ખરી જાય ને પંખી તો ઉડી જાય   એકલું એની યાદમાં ઝુર્યા કરે છે પાંદડું

દુનિયા

દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ  ઉપરથી સૌ ઉજળા લાગે, ભીતર ભાત ભાતના મેલ  દેખાય નહી કોઇને એવી એક ચાહત નામે ચીજ પામે તેને પડતી ગમ્મત બાકીનાને ચડતી ખીજ ચોતરફ ચહેરાના પહેરાં, છે આ તાળાવિહોણી જેલ  દુનિયા તો છે જાદુના ખેલ મનવા! છે જાદુના ખેલ   પહોંચવુ ક્યાં એ કોઇ ન જાણે ને તોયે સૌ જ્યાં દોડે  અર્ધી જીંદગી બાંધે ગાંઠો ને પછી બેઠાં બેઠાં છોડે,  અંહી ઝંખનાઓના ઝાડે વિંટળાતી ઇચ્છાઓની વેલ દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ  ઉપરથી સૌ ઉજળા લાગે, ભીતર ભાત ભાતના મેલ 

નક્કર થઈ ગયા

અક્ષરો કલમમાંથી નિકળી વજ્જર થઈ ગયાં લ્યો, હોવાપણાના પુરાવાઓ નક્કર થઈ ગયાં શી ખબર કેવો જાદુ હશે ગંગાનદીના વહેણમાં  કાંઠે પડેલાં કંકર પણ જુઓ શંકર થઈ ગયાં તમે કહો છો મન પણ હું એને મરૂભુમિ કહું છું જુઓ તો ખરાં કે યુધ્ધ કેટલાં અંદર થઈ ગયાં જમાનો બદલાઈ ગયાનો આજ તો પુરાવો છે હતાં કાલ ખાબોચિયા, આજ સમંદર થઈ ગયાં મર્યા પછી પણ જીવવાનો માર્ગ એને જઈ પુછો  જાત ઓગાળી દઈ જે ફુલો અત્તર થઈ ગયાં

થાક આખરે છે શું ?

વધતા જતા ઉપયોગીતાવાદના આજના સમયમાં જે તણાવની આપણે અવારનવાર વાત કરતા હોઇએ છીએ તે તણાવ વાસ્તવમાં મનનો થાક હોય છે. સંજોગોથી કે સમસ્યાઓની સાથે લડતાં લડતાં મનને શ્રમ કરવો પડે છે તેનો તે થાક અનુભવે છે. આજકાલ આત્મહત્યાના જે કોઇ બનાવો વધી રહ્યા છે તેની પાછળ પણ અસહ્ય બની ગયેલો માનસિક થાક જ હોય છે. આ થાક એ શું છે? થાક અને કંટાળો એ સામાન્ય રીતે બે બાબતોથી આવે છે. એક તો આપણે રોજબરોજ કરવા પડતાં કામો આપણી રૂચિ પ્રમાણેના ન હોય અને બીજું કારણ છે એકધારી રોજીંદી ઘટમાળ. પરાણે કરવા પડતાં કામોથી લાગતો થાક દૂર કરવા માટે શું કરવું? પ્રકૃત્તિનો એક નિયમ છે કે જે કામમાંથી આનંદ મળે તે કામનો કદી થાક ન લાગે. રોજ સાયકલ પર દસ માઇલના વિસ્તારમાં છાપા વેચનારને થાક લાગે પણ હજારો માઇલનો સાયકલ પ્રવાસ કરનારને થાક ન લાગે એવું બનતું હોય છે.સાપ અને નોળિયાની દુશ્મની જગજાહેર છે. કહેવાય છે કે એ બન્નેની લડાઇમાં જ્યારે નોળિયો થાકે ત્યારે નોળવેલ તરીકે ઓળખાતી એક વનસ્પતિના મુળ ખાઇ આવે છે જેનાથી તે ફરી લડવા માટે તૈયાર થઈ જાય છે. આપણા દરેકના જીવનમાં પણ એક નોળવેલ નામની વનસ્પતિ હશે જ. સવાલ તેને શોધી તેનો ઉપયોગ કરવાનો છે. એ વનસ્પતિ સંગીતમ...