Posts

વાતો

કદીક વમળની વાતો અને કદીક કમળની વાતો સદીઓથી સાંભળે છે પર્વત વહેતા જળની વાતો લઈ વેરાન જીંદગી બેઠા હતાં સરવરની આશમાં મિત્રો ત્યાં લઈને આવ્યા નર્યા મૃગજળની વાતો જે કદી વરસતું પણ નથી ને ગરજતું પણ નથી આકાશને પણ પીડે છે એવાં એક વાદળની વાતો સદીઓ સુધી જીવી શકાય છે બસ એના આધારે નથી ભુલાતી એવી એકાદ અનોખી પળની વાતો ક્યારેક વિધિના લેખથી પણ એ ઉપર હોય છે હસ્તરેખાઓમાં નથી હોતી એવાં અંજળની વાતો

આવ તું

આવ તું અને ઉજાસ લાવ તું શબ્દો નિયતિના બદલાવ તું શ્વાસનું પંખી પાંખ ફફડાવતું હવે તો મળવા માટે આવ તું ગઝલનો આખરી શબ્દ છું હું બક્ષવા અમરત્વ, બિરદાવ તું સદીઓ સુધી ભુલી ન શકાય ક્ષણ એવી એકાદ વિતાવ તું પ્રેમમાં કોઇ જીત્યું નથી કદી જીંદગી દાવમાં ન લગાવ તું

ઝાકળ ઝાકળ

ધુમ્મસ ધુમ્મસ, ઝાકળ ઝાકળ દરિયો દરિયો, વાદળ વાદળ સમયની રેત થઈ સરકતા સૌ ના કોઇ આગળ ના કોઇ પાછળ ક્યાંક એ મુક્તિ, ક્યાંક બંધન સંબંધ કેવી અદભુત સાંકળ ટહુકા માટે સહુ કોઇ તરસે નીમ, વડલો કે આવળ બાવળ ચોરી સુગંધ વાયરો ભાગ્યો દોડે વગડો આખો એની પાછળ

શું ચીજ છે

આ ખીલવું, મહોરવું, ખરી પડવું શું ચીજ છે? ને પછી વાયરાની સંગાથે ખખડવું શું ચીજ છે? આ નિર્લેપ આકાશને કોઇ તો સમજાવો આ વાત મળવાનો અર્થ શું અને બીછડવું શું ચીજ છે? ને તે છતાંય કામ એનું કાબિલે તારિફ નીકળ્યું બાકી ટેરવાંને શી ખબર કે રડવું શું ચીજ છે? જ્યાં સુધી એક ટહુકાને પોતાનામાં કેદ ન કર્યો પિંજરને નહોતી ખબર કે ફફડવું શું ચીજ છે? એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે? વ્યવહારૂ થઈ જીવ્યા તો નહી જાણી શકો કદી ઝુરવું તે શું અને એકલાં બબડવું શું ચીજ છે?

રોકે છે મને

અશ્રુભીની કોઈ પાંપણ રોકે છે મને એટલે કે પારકી થાપણ રોકે છે મને તારાથી દૂર જતા રસ્તે ચાલ્યો હતો રસ્તામાં તારા સ્મરણ રોકે છે મને એમ તો હું યે ક્યાં જવા રાજી હતો તું આવજો કહીને પણ રોકે છે મને એકલા પસાર થઈ જાત યુગો પણ તને મળ્યાની એક ક્ષણ રોકે છે મને આવજો કહેતા કૈંક ચહેરાઓ વચ્ચે ખૂણે ઉભું એકાદ જણ રોકે છે મને ગ્રંથ છુટ્યાં ને છોડી ગ્રંથીઓ પણ શી ખબર ક્યું વળગણ રોકે છે મને રક્તથીયે મજબુત એ સાબિત થયું શબ્દ સાથેનું સગપણ રોકે છે મને હાથ મિલાવ્યા એ કોઈ રોકાયા નહી બસ એક તૂટેલું દર્પણ રોકે છે મને અહંના પહાડો તો ઓગાળીયે શકાય  બસ એક પ્રેમાળ ઝરણ રોકે છે મને

માણસ

થઈ ગયો રેતી સિમેન્ટ ને સળિયાનો માણસ હતો જે નેવાં, મોભ અને નળિયાંનો માણસ સ્ક્વેર ફૂટના આટાપાટામાં જઈને અટવાયો ઠીબ, ચબુતરો, ડેલી અને ફળિયાનો માણસ એની ઇચ્છાઓનો દેશ વસ્યો નભને પેલે પાર ટોચે પહોંચીનેય ન જંપ્યો તળિયાનો માણસ ભાવ વિહોણી દુનિયામાં અભાવને આસ્વાદે પેટભરીને પસ્તાયો ગંગાજળિયાનો* માણસ શ્વાસે શ્વાસે બીજ વાવી લાગણીઓના પછી ખાલીપો થઈને ખુટ્યો ઝળઝળિયાનો માણસ  (*ગંગાજળિયા=ભાવનગરના મધ્યમાં આવેલું તળાવ)

કોઇક વિતાડે છે  કોઇક જીવાડે છે હવા થકી ઉડ્યા એ જ પછાડે છે સમય તો બરફ તો ય દઝાડે છે સાંજે પર્ણ ખેરવી સવારે ઉગાડે છે એનાથી ના છૂપુ જે તું સંતાડે છે ખુદ ભલેને હારે એ સૌને રમાડે છે

સ્મરણ

Image

કોઈક આવી ચડે છે

ચોતરફ ઘુઘવતા દરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે ને ધોધમાર ઝળઝળિયા વચ્ચે, કોઇ આવી ચડે છે એકલતાનો અંધકાર એને ચોતરફ ઘેરી વળે પછી સુમસામ, નિશબ્દ ફળિયા વચ્ચે કોઇ આવી ચડે છે સંવેદનાના સો સો સુરજ પણ આથમી ગયા પછી લઈ મુઠ્ઠી ઉજાસ, નળિયા વચ્ચે કોઇ આવી ચડે છે અષાઢી નભશૃંગારે જીવલેણ ઝંખ્યા હો એવું બને શ્રાવણ મધ્યે ઝરમરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે ના શ્વાસ હો, ના શબ્દ, હો કેવળ શુન્યતા ભરપુર એકાકી એવા તરફડિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

મળીએ...

Image
શક્યતાઓની પણ પેલે પાર મળીએ બની શકે તો બસ અપરંપાર મળીએ પછીની અવસ્થા જો એ જ હોય તો ચાલને પહેલેથી જ નિરાકાર મળીએ હું માટીનું ઢેફું અને તું અષાઢી વાદળ તરસના સોગંદ, અનરાધાર મળીએ બંધ કિલ્લા જેવા શરીરની વાત છોડ એવું કરીએ ક્યાંક બારોબાર મળીએ

સ્મૃતિ સુગંધ

આખા ઘરમાંથી ઉમટી આવી મને વિંટળાઇ જતી તારી સ્મૃતિઓ લઈને બહાર પગથિયા પર ઉભો છું,  આથમણી દિશાએથી  તારી સુવાસ લઈને વહી આવતો પવન  મને કાનમાં કશુંક કહી જાય છે  અને  હું ઝંકૃત થઈ ઉઠું છું..  અનુભવું છું જીવનનું સંગીત..  અને આકાશ હસી પડે છે..  મારા ચહેરાં પર ફરતી મારી આંગળીઓ તારા પ્રગાઢ ચુંબનને વાંચે છે...  અને વાતાવરણ સુગંધાઈ જાય છે.  પ્રેમની પ્રથમ હુંફ રોમ રોમમાં પ્રગટે છે...  અને હું આકાશમાં ઓગળી જાઉં છું.....

કદાચ

આજે તું ન આવ્યો...  કદાચ કોઇ કામ આવી ગયું હશે..  કદાચ કોઇ મહેમાન હશે...  કદાચ..... ...  જો કે તું ન આવ્યો છતાંયે  આમ તો કશું ખાસ નથી બન્યું  બસ  હવા જરાક નિશ્વાસ મુકીને વહી ગઈ,  સ્ટ્રીટ લાઈટના થાંભલે બેઠેલી  એક ચકલી ચીં ચીં બોલ્યા વગર જ ઉડી ગઈ;  આમ તો ખાસ કશું ન બન્યું  પણ  આકાશમાં પ્રગટવા મથતા  મેઘધનુષના  કોઈએ ટુક્ડેટુકડા કરી નાખ્યાં;  ને.. આખું આકાશ ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યું..  બસ એટલું જ.....

નિકળ્યો'તો

અપ્રાપ્યને એક દિ' પામવા નિકળ્યો'તો એટલે કે એ તમને ચાહવા  નિકળ્યો'તો ક્ષિતિજના ખાલીપણાની ખબર પડી ગઈ આકાશને એક વાર માપવા  નિકળ્યો'તો અશ્રુની એક નદી મળી આવી અચાનક હસ્તરેખાને જ્યારે વાંચવા  નિકળ્યો'તો સૂર્ય જેવો સૂર્ય પણ લ્યો, થાકી ગયો અંધકારનો ભેદ એ પામવા  નિકળ્યો'તો નહોતી ખબર કે રણ પણ સાથે આવશે લૈ મુઠ્ઠીમાં બેચાર ઝાંઝવા,  નિકળ્યો'તો

આવીશ

તારી સુંદર આંખો માટે શમણું લઈને આવીશ હું ઓછું પડે તો કે'જે,ખુદ શમણું થઈને આવીશ હું ફિક્કા પડે જો રંગ જીવનમાં, સાદ કરજે દોસ્ત, તારી પાસે પગલું કુમકુમવરણું થઈને આવીશ હું વનવગડાની જો પીડે એકલતા કદીય જીવનમાં બનવા સાથી, ફૂલ એક નમણું થઈને આવીશ હું તારી મનની ભૂમિ રહે હંમેશા હરિયાળા એ માટે નદી, દરિયો, વાદળ કે ઝરણું થઈને આવીશ હું

ગઝલ

ચાહે છે એ હસીને,ધિક્કારે છે પણ સ્મિતથી  ઇશ્વર પણ પરેશાન છે માણસની આ રીતથી   શ્વાસે શ્વાસે ખેલાતું રહે છે યુધ્ધ અસ્ત્તિત્વનું  જીતી જવાય છે એ કોઇકની મબલખ પ્રિતથી   'હું' નામના લયમાં 'તું' નામનો તાલ ભળે છે  ખરી પડે છે ભેદ સઘળાં એ દિવ્ય સંગીતથી   હે ભવિષ્ય, તું મને સમાવી લે તારી ગોદમાં  હું તોડીને આવ્યો છું તાર સઘળાં અતિતથી

આવજે

ખૂટી પડે મારા પોતીકા શ્વાસ, તું આવજે લઈને બે ચાર ઉછીના શ્વાસ, તું આવજે એકલાં હોવાનો અંધકાર મને પીડ્યા કરે રૂંવે રૂંવે પ્રગટાવવા ઉજાસ, તું આવજે તું સહ્પ્રવાસી હો એ ઝંખના લઈ જીવું સંગાથે કરવા એકાદ પ્રવાસ, તું આવજે સહિયારી લાગણીઓ સાથે રહી માણીશું હશે આપણું સહિયારૂં આકાશ, તું આવજે

માળો

વિજળીના થાંભલાને  વીંટળાઈ ગઈ  એક લીલીછમ વેલ  અને  થાંભલાને ફુટી છે ડાળો...  ડાળીને ફુટી છે કુંપળો  ને એટલું તો ઠીક  પણ  એક ડાળ પર તો  ટહુકાઓ બાંધે છે માળો !

આંખો

ચાલને થોડું ઝાંખી લઈએ ભિતરમાં બહાર તો બધું જોઇ ચુકી છે આંખો તું સામે નહીં પણ ભિતર છો જરૂર અંદર ભિનાશ છે ને સુકી છે આંખો જીતવું છે તારું એક સપનુ સોહામણું એટલે તો મેં હોડમાં મુકી છે આંખો મારી નાજુક પાંપણથી ન ઝીલી શકું તારી યાદના ભારથી ઝુકી છે આંખો

નવી દુનિયા: બટનયુગ

સાવધાન ! બટનયુગ શરૂ થઈ ગયો છે......  માનવનો જીવનકાળ પથ્થરયુગથી શરૂ થયો છે અને હજારો વર્ષની સફર પછી માનવ આજે ટેકનોલોજીના ઉંબર પર ઉભો છે. ઉંબર પર ઉભો છે એમ એટલે કહી શકાય કે હજુ ટેક્નોલોજીની મદદથી શું શું થવાનું છે તેની આપણને ખબર નથી. આજે જીવનમાં દરેક ક્ષેત્રે ટેકનોલોજીની બોલબાલા છે. આજ ગતિ ચાલુ રહી તો ટેકનોલોજીની મદદથી તેના સર્જકો અને તેને જાણનારાઓ સમગ્ર વિશ્વને બાનમાં લઈ લે એ દિવસો દૂર નથી.  આપણા વ્યવસાયના કાર્યો ટેકનોલોજીના હવાલે થાય તેનાથી સમય અને ઉર્જાની બચત થય એ વાત સાચી પણ આપણા અનેક રોજીંદા કામો કે જેની સાથે જીવનની અભિવ્યક્તિ જોડાયેલી હોય તે પણ ટેકનોલોજીના હવાલે થતાં જાય છે. હજારો માઈલ દૂર રહેતા સંતાનો સાથે માબાપ વાત કરે ત્યારે ટેલિફોન કે મોબાઈલની વ્યવસ્થા આશિર્વાદ લાગે પણ એ જ વ્યવસ્થા ગુનાખોરીનો પ્રશ્ન જટિલ બનાવે ત્યારે ટેકનોલોજી અભિશાપ બની રહે છે.  આજનો માનવી બટન, સ્વિચ અને માઉસની ક્લિકનો ઓશિયાળો બનતો જાય છે. અંહી બટન દબાવતા જ મનોરંજનનો ખજાનો ટેલિવિઝન પર ખુલ્લો થઈ જાય છે. સ્વિચ ચાલુ કરતાં જ ભરઊનાળે પોષ માસનું સામ્રાજ્ય અનુભવી શકાય છે. માઉસની એક ક્લિકથી જ કરોડો રૂપિ...

પ્રકાશિત

Image
આ સાઈટ પર  પ્રસિધ્ધ થયેલાં અને ન થયેલાં ગદ્ય અને પદ્ય લખાણો નો એક સંગ્રહ " ગ્રીન લીફ" પુસ્તક સ્વરૂપે રાજકોટ  (ગુજરાત) થી પ્રસિધ્ધ થઈ ચુક્યો છે....