Posts

Showing posts from October, 2020

સંબંધોનું ઉપનિષદ….

  સંબંધોનું ઉપનિષદ….. -પ્રણવ ત્રિવેદી આ દુનિયા જાણે સંબંધોનો દરિયો. સંબંધો તો પાણીના પરપોટાની જેમ પ્રગટે અને ફૂટે… સંબંધો તો ફૂલ થઈને ફોરે.. સંબંધો તો શૂળ થઈને કોરે.. ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ, ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ… સંબંધો તો શમણું થઈને સરે… સંબંધો તો તરણું થઈને તરે… સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ… સંબંધો તો અગનશિખાનુ શૂળ ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર, ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર.. સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ, સંબંધો તો ચાતક કંઠની પ્યાસ ! સંબંધો નાના હોય કે પછી હોય મોટા, સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં ! -પ્રણવ ત્રિવેદી

માનવ શરીર :અનંત શક્યતાઓનો ભંડાર

મારા દાદીમા ભણ્યા હતા ઓછું પણ વિશાળ વાંચનના કારણે એમના વિચારો હમેશા ચિંતન પ્રેરિત હતા. એક વખત એમણે એવું કહેલું કે વૈજ્ઞાનિકોએ બનાવેલું કોઈ પણ યંત્ર જે સિધ્ધાંત પર કામ કરતું હોય એ સિદ્ધાંત કોઈ ને કોઈ રીતે માનવ શરીરમાં સ્થાપિત થયેલો હોય છે જ. એ વાક્ય પર હું વરસોથી વિચાર કરતો રહ્યો છુ. વાહન હોય કે કોમ્પ્યુટર, કારખાનાના યંત્રો હોય કે યુધ્ધમાં વપરાતા શસ્ત્રો હોય દરેક જગ્યા એ આ વાત મને અત્યાર સુધી સાચી લાગી છે. અત્યારે જે નેનો ટેક્નોલૉજી પર દુનિયા આગળ વધી રહી છે એની પણ માનવ મગજના અતિ સૂક્ષ્મ કોષો સાથે સરખામણી થઈ શકે છે. વાહનોના પૈડાં અને આપણાં પગ, કેમેરા અને આપણી આંખો, કોમ્પ્યુટર કે મોબાઈલ અને આપણું મગજ, યાંત્રિક સેન્સર્સ અને આપણી ત્વચા આવા તો અનેક ઉદાહરણો આપણી નજર સામે જ છે. સંદેશાવ્યવહારના કોઈ પણ સાધનો આપણા શરીરના આંતરીક સંદેશા વ્યવહારનું વિસ્તરણ માત્ર તો છે. પગમાં કાંટો વાગે ને તુરત જ મગજમાં સંદેશો પહોંચે અને તરત જ હાથ ત્યાં પહોંચી, આંગળીઓ દ્વારા એ કાંટાને ખેંચી લે એ એક જ પળમાં સંદેશાઓની આપલે કેટલી ઝડપે થઈ એ સમજ બહારનો વિષય છે. અત્યાર સુધી આપણે માનતા આવ્યા છીએ કે આ આંતરિક પ્રત્યાયન શરીરની...

ઉર્જા

  સમગ્ર પ્રકૃતિ ઉર્જાવાન છે. ક્યાંક ઉર્જા દ્રશ્યમાન છે તો ક્યાંક ઉર્જા અદ્રશ્ય છે. પ્રત્યેક સજીવ સતત ઉર્જા પ્રાપ્તિની મથામણમાં વ્યસ્ત રહે છે. માણસની દરેક પ્રવૃત્તિ કાં તો ખોરાકની શોધ માટે હોય છે કાં તો આનંદની શોધ માટે. જે પણ તત્ત્વ વડે જીવન અને ચેતના પોષાતી રહે એ ઉર્જા. એ અર્થમાં ખોરાક અને આનંદ, આ બંને ઉર્જા પ્રાપ્તિના જ સ્ત્રોત છે. ઉર્જા શબ્દ માટે એક સમાનાર્થી શબ્દ ઉષ્મા છે. આદિમાનવે સંસ્કૃતિના યાત્રાના આરંભે કોઈ ક્ષણે સમૂહમાંરહેવાનુ નક્કી કર્યું હશે ત્યારે તેને ઉર્જા એજ ઉષ્મા એવું સત્ય લાધ્યું હશે એમ બને. ભૌતિક વિજ્ઞાનમાં અનેક ઉર્જા પ્રકારો છે પણ વૈયક્તિક સંદર્ભમાં ઉર્જાના પ્રકારો આ મુજબ હોય શકે. શારીરિક કે ભૌતિક ઉર્જા, માનસિક કે અદ્રશ્ય ઉર્જા, વૈચારિક ઉર્જા, આધ્યાત્મિક ઉર્જા, બૌદ્ધિક ઉર્જા, સામાજીક ઉર્જા વગેરે. આ દરેકનું ઉત્પત્તિ સ્થાન અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિની ઉર્જા જરૂરિયાત પણ અલગ અલગ હોય છે એક અર્થમાં જેમ ચહેરા સૌના અલગ હોય છે એમ ઉર્જા જરૂરિયાત પણ સૌની પોતાની હોય છે. બહુ વિચાર કરતા એવું લાગે કે શોખ એ જે તે વ્યક્તિની ઉર્જા જરૂરિયાત પ્રમાણે જ વિકસતા હશે. અને જાણે અજાણે ...

પાંત્રીસ વર્ષ પહેલાનો વાર્તા લેખન પ્રયોગ

 નથુકાકા- એક ન જાહેર કરાયેલા મહાપુરુષ  તમે અમારા ખોબા જેવડાં ગામની નાની બજારમાં નીકળો અને  “..એમાં ના નહીં...“ એવો અમારા નથુકાકાનો લહેકો સાંભળો નહિ તો બધુ નકામું ! આ ગામનો એક વર્ગ નિશ્ચિતપણે એવું માણતો કે આ ગામમાં આવનાર દરેકે એકવાર નથુકાકાને તો મળવું જ જોઇએ.  ગામના નાના મોટા સૌને એ ઓળખે. માથા પર અને સૂતરફેણી જેવી ભરાવદાર મૂછોમાં ધોળા વાળ જોઈ કોઈ પણ વ્યક્તિ નથુકાકાની ઉમર સાઠેક વર્ષની આંકે જ પણ સાચો આંકડો તો એને ખબર નહીં. એક વખત કોઇકે પૂછેલું પણ ખરું કે હેં નથુકાકા, તકમે કેટલી દિવાળી જોઈ?  “દિવાળી કેટલી જોઈ ઇ તો યાદ નથ્ય પણ બેહતા વરહના દાડે પગે લાગવાનો એક પૈસો ગામના મુખી અમને આલતા ઇ વેળાથી દિવાળી જોતો આવ્યો છું..એમાં ના નહીં ! “ જો વાકયના અંતે “..એમાં ના નહીં...“ એવું લહેકાદાર પૂર્ણવિરામ આવે નહીં તો એ વાક્ય નથુકાકાનું નહીં.        આમ નથુકાકા ભલા આદમી. વ્યસનનું મુદ્દલ નામ નહીં. ગામ ના દરેક સામૂહિક કાર્યક્રમોમાં એમની હાજરી અનિવાર્ય. કોઈ કામની ના નહીં પાડવાની. વ્યવસાયમાં એક બળદ જોડેલા એક્કામાં નાનામોટા માલસામાનની હેરાફેરી કરવાની. પાછા કુટુંબમાં સા...

એક અનુવાદ

એક રાત્રે, એક મહિલા હવાઈ અડડા પર પોતાની ફલાઈટની, રાહમાં વિતાવી રહી હતી સમય, સાથમાં હતો થોડોક સામાન અને ઝાઝો કંટાળો. . ફેંદયા થોડા પુસ્તકો, નજીકની ‘બૂક - શોપ’ માંથી . લીધું એકાદ પુસ્તકને લીઘી થોડી શીંગ . . ગોતી સારી બેઠક અને મન પોરવ્યું મનગમતાં વાંચનમાં. રસભર વાંચન ચાલતું રહ્યું ને એકેક બબ્બે દાણા ખવાતા રહ્યા, સમય વીતતો રહ્યો . . . અચાનક જ તેને ખ્યાલ આવ્યો કે બાજુમાં બેસેલી કોઈક વ્યક્તિ પણ વચ્ચે પડેલી શીંગમાંથી એક - બે , એક - બે દાણા આરોગી રહી છે બિલકુલ સ્વભાવિકપણે . . ટાળવા અનાવશ્યક કજિયો, અનદેખ્યું કર્યું તેણે . . સરતા સમયની સાથે ખૂટતી રહી શીંગ , ગુસ્સો તો ઘણો આવ્યો પેલા શીંગ - ચોર પર કે ખેંચી લઉં બત્રીસી આ બેશરમની અને ફોડી નાખું આંખ, પણ કીધું મનને કે જહેર સ્થળે થોડો તો તું સંયમ રાખ ! સમય જતા વધ્યા માત્ર બે જ દાણા . . . નાલાયકી તો જુઓ પેલા અજાણ્યા માણસની . . હળવા હાસ્ય સાથે બે પૈકી એક દાણો હથેળીમાં રાખી લંબાવ્યો હાથ ને બીજો દાણો મૂકયો પોતાના મોંમા ! "કેવો જડ છે આ માણસ જે આટલી શીંગ ખાઈ લીધા પછી પણ આભારની લાગણી પણ પ્રગટ કરી શકતો નથી .” અચાનક જ પોતાના વિમાનની સંભળાઈ જાહેરાત પુસ્તક ...

હરિ તેરે હોને કી નિશાની મિલી....!

 હરિ, તેરે હોને કી નિશાની મિલી..... ઈશ્વર આપણા માટે હમેશા જિજ્ઞાસા, શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનો વિષય રહ્યો છે. ઈશ્વરને તમે કે મેં તો જોયા નથી. આપણે શ્રદ્ધાવાન કે આસ્તિક હોઈએ તો કણકણમાં ઈશ્વરનો વાસ હોવાનું સ્વીકારીએ અને જો તર્કના સહારે નાસ્તિકતાના માર્ગે હોઈએ તો સૃષ્ટિની દરેક ઘટનાને વિજ્ઞાનની જ દેણ સમજીએ છીએ. માટીમાં ફેલાયેલા મુળિયાંથી શરૂ થતી જળયાત્રા વૃક્ષની ટોચે રહેલા પર્ણો સુધી પહોંચે તે વિજ્ઞાનની દ્રષ્ટિએ  “કેશાકર્ષણ”ની પ્રક્રિયા છે પણ શ્રધ્ધાની દ્રષ્ટિએ તો એ “કેશવાકર્ષણ”ની ઘટના છે. ઈશ્વરના અસ્તિત્વ વિશેના આવાં બે અંતિમો વચ્ચે સમાન્ય રીતે આપણે મધ્યમમાર્ગી હોઈએ છીએ પણ વિવિધ મુસાફરી સમયે જે દ્રશ્યો મારી નજરે પડ્યા છે એમાં ઈશ્વરના હોવા વિષેની શ્રધ્ધા બળવત્તર બની છે. આપણી ભાષાના સમૃધ્ધ કવિ શ્રી હરિન્દ્ર દવેએ એક જગ્યાએ લખ્યું છે કે ક્યારેક અચાનક જ ચિત્તમાં પ્રસન્નતાની કોઈ લહેરખી વહેતી અનુભવાય તે ક્ષણ મને સાક્ષાત્કારથી જરાય ઊતરતી લાગતી નથી. આજે એવા કેટલાક દ્રશ્યોની વાત કરવી છે જેણે ચિત્તતંત્રમાં આંદોલનો ઉત્પન્ન કર્યા છે અને મન પ્રદેશે શબ્દો પ્રગટ્યા છે : હરિ તેરે હોને કી નિશાની મિલી...

નેતૃત્વ

Image
  તાજેતરમાં કેટલીક સંસ્થાઓ, સંગઠનો અને પ્રવૃત્તિઓ વિષે અનેક પ્રકારની વાતો આપણા સુધી પહોંચી છે. વિચારશીલ માણસોને આવી વાતો અવશ્ય ખલેલ પહોંચાડી શકે, વમળો પેદા કરી શકે, પણ કોઈ વિપરીત પરિસ્થિતિની ચિંતા કરવાથી સમસ્યાનો હલ ન આવી શકે. ચિંતામાંથી ચિંતન અને મૂલ્યાંકન પ્રગટે  તોજ રસ્તો મળી આવે. કોઈપણ પ્રવૃત્તિ કે સંગઠન પોતાની હેતુપ્રધાનતા ગુમાવી વ્યક્તિપ્રધાન બની જાય ત્યારે તેની પડતીની શરૂઆત થાય છે. આ સમયે તેમાં રહેલા લોકોના "બીઇંગ"ની બદલે "બીકમિંગ"ની બોલબાલા શરૂ થતી જોવા મળે છે. કોઈપણ પ્રવૃત્તિ કે સંગઠ્ઠનના ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ માત્ર લોક સંમતિથી જ ત્યાં પહોંચે તો તે માત્ર નેતા બની શકે નાયક નહીં. મુખ્ય સૂત્રધાર પાસે લોક સંમતિ ઉપરાંત લોકાદર અને લોકપ્રેમ પણ હોવો જોઈએ જે નેતૃત્વ પાસે આ ત્રિફળા ન હોય તે સંસ્થાનું આરોગ્ય હંમેશા ખતરામાં રહે છે તમે જે માંગો છો તે નહીં પણ તમારું જેમાં કલ્યાણ હોય તે તમને અપાવવા માટે તત્પર હોય એ જ સાચું નેતૃત્વ. કોઈ પણ પ્રવૃત્તિ પાસે જો આ ન હોય તો તેનું આયુષ્ય અલ્પજીવી જ રહેવાનું પછી તે કોઈ સંપ્રદાય હોય, સંગઠન હોય, રાજકીય પક્ષ  હોય કે મજૂર મહાજન હ...

બીજ ની યાત્રા ,આપણી યાત્રા

Image
  બીજ ની યાત્રા ,આપણી યાત્રા  ક્યાંક નજર સામે પળભરમાં ઘટી ગયેલી કોઈ ઘટના કે ભીડમાં અલપઝલપ નજરે ચડી ગયેલો કોઈ ચહેરો, કે પછી એકાદ ક્ષણમાં ક્યાંક વાંચવા મળેલું નાનકડું વાક્ય વર્ષો પછી પણ ઝબકી જાય છે એ આપણા સૌનો અનુભવ છે આવું જ એક વાક્ય હમણાં આસપાસ ઘૂમરાતું અનુભવાય છે  "તમને જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવે  ત્યાં પુરી ક્ષમતાથી ઊગી નીકળો.."  આપણા શાસ્ત્રોમાં કેટલાક બીજ મંત્રોની વાત છે પણ મને તો આ વાક્યમાં જ  એક મહાન બીજમંત્રના દર્શન થાય છે. એક નાનકડું બીજ ધરતીમાં ચપટીક જગ્યામાં કબજો જમાવે ત્યારે અનંત શક્યતાઓ ને પોતાનામાં એકાકાર કરીને વિકાસ સાધનાની શરૂઆત કરે છે અને પછી કોમળ તૃણ સ્વરૂપે, જરૂર પડે તો પથ્થર ફાડીને પણ એ બીજ આકાશની દિશામાં પોતાનો ચેતો વિસ્તાર કરે છે. અહીં એક પંક્તિ સ્ફુરે છે  ઝાકળ કહો છો એ તો આંસુ હશે ફૂલોનું  પથ્થર ચીરીને ઉગ્યાનો પસ્તાવો હશે  એક બીજનું હોવું એ તો એનું બિઈંગ છે. એ બીજ માટીની હુંફમાં લપાય અને અન્નનો દાણો બને કે પછી મોટુ વૃક્ષ બને તે એનું બીકમિંગ છે બીજની આ બીઇંગ(being)થી બીકમિંગ (becoming)ની યાત્રા એટલે વવાયાથી ચવાયા સુધીની...

સિસ્ટમ કે માનસિકતા?

Image
વાતની શરૂઆત મારી એક અંગત વાતથી કરૂં છું તે માટે માફ કરશો. વરસો પહેલાં મારી પાસે સ્કૂટર હતું.સ્કૂટર ફેરવનારા સૌને ખબર હશે કે બ્રેક અને એક્સીલેટર બન્નેમાં એક વાયર હોય છે. એકમાં એ વાયર ખેંચાવાથી બ્રેક લાગે અને એક્સીલેટરમાં વાયર ખેંચાવાથી સ્પીડ વધે.એક શેતાની ક્ષણે મને વિચાર આવ્યો કે આ બન્ને છેડાંની અદ્લાબદલી કરી હોય તો ? તો બ્રેક-પેડલ પર પગ દબાવવાથી સ્પીડ વધે અને એક્સીલેટર વધારવાથી બ્રેક લાગે !! ફ્લેટના પાર્કીંગમાં થોડું ચલાવી જોયું અને એક વહેલી સવારે રસ્તા પર નીકળ્યો. થોડે દૂર સુધી તો વાંધો ન આવ્યો પણ ઓચિંતો એક સાયકલ સવારે રસ્તો ક્રોસ કર્યો. પછીની ક્ષણો વિષે કશું નથી કહેવું! આ વાત પરથી એક બોધ મળ્યો કે માત્ર સિસ્ટમ બદલવાથી નહી ચાલે પણ એ સિસ્ટમ ચલાવનારની માનસિકતા પણ બદલવી અનિવાર્ય છે. આ વાત અત્યારે એટલે યાદ આવી કે વરસના ૩૬૫ દિવસમાંથી લગભગ ૩૦૦ દિવસ જેમનું કામ બોલવાનું છે તે સઘળાં અત્યારે સાંભળવા બેઠાં છે! એક્સીલેટરનું કામ બ્રેકે સંભાળી લીધું છે. અંહી પેલો બોધ જ લાગુ પડે છે. આ સિસ્ટમ બદલાઇ એ સારી વાત છે પણ સાથે સાથે આ સિસ્ટમના ચાલકોના "માઇન્ડ સેટ" બદલવા જોઇએ. અને એ માનસિકતા બદલવાની ...

વાહ પ્રભુ

Image
 

જીવ્યાં છીએ

Image
 

તો લખજો....

Image
 

સ્મરણ યાત્રા.

Image
 વર્ષ ૧૯૮૫નો ફેબ્રુઆરી મહિનો. જીવનયાત્રાનો ઓગણીસમો મુકામ હજુ હમણાં જ વટાવ્યો હતો. ચારેક વર્ષ પહેલા જ હસતા-રમતા સહોદરની કાળજું કંપાવનારી વિદાય જોઈ હતી જેની પીડા હજુ પડઘાતી હતી સંવેદન વિશ્વમાં. વળી કોલેજમાં સહાધ્યાયીનીઓના સ્મિતનો મર્મ પણ હજુ ઉકેલવાનો બાકી હતો.  ત્યાં જ ટચલી આંગળી પર નોકરીનો ગોવર્ધન ઊંચકવાની ઘડી આવી ગઈ. તદન બેફિકરાઈથી આપેલી પરિક્ષામાં ઉત્તીર્ણ થઈ સાવ જ હળવાશથી આપેલા ઇન્ટરવ્યુ પછી સિન્ડિકેટ બેન્કની નોકરીનો નિમણૂકપત્ર મળી ગયો. મોરબી મુકામે હાજર થવાનો આદેશ મળ્યો. મોરબીનું નામ માત્ર છએક વર્ષ પહેલા સર્જાયેલી હોનારતને કારણે સ્મૃતિમાં હતું જ. ભાવનગરથી બહાર ક્યારેય જવાનું બન્યું જ ન હતું. સાસરે જનારી કન્યા જેવી એ મનોદશા હજુ આજે પણ સ્મરણપટ પર સચવાયેલી છે.   વીસમી ફેબ્રુઆરીએ પિતાજીની સાથે મોરબી નામના શાપિત જેવા દેખાતા એ ધૂળીયા શહેરમાં પગ મુક્યો.પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં થઈ શકી અને નોકરીનું સ્થળ ગામના બીજા છેડે જૂના બસ સ્ટેન્ડ પાસે. પહેલા જ દિવસે જે રૂમમાં રહેવાનુ હતું એની સફાઈ માટે સાવરણીની તેમજ પીવાના પાણી માટે માટલું ખરીદવાન...