Posts

વિચાર વલોણું

વિચારો આવવા અને વિચારો કરવા બંને અલગ બાબત છે હમણાં હમણાં કેટલીક ઘટનાઓ વિચાર કરવાની ફરજ પાડે છે. એક તો ગુજરાતની ચૂંટણીના અનુસંધાને ચાલતું શબ્દ-યુધ્ધ સાથે સાથે ધાર્મિક તહેવારોના આ દિવસોમાં જોવા મળતા શ્રધ્ધાવિહીન દ્રશ્યો પણ પીડા આપે છે. ઘટનાઓ આપણી આસપાસની જ છે. ગુજરાતની ચૂંટણીઓના અનુસંધાને ‘વિકાસ’ અને ‘અન્યાય’ એ બે શબ્દો નાનાનાના બાળકો પણ બોલવા લાગ્યા છે એ કદાચ આ પ્રચાર-યુધ્ધની મોટી ઉપલબ્ધિ છે. ભારતમાં લોકશાહી હજુ પરીપકવ થઈ નથી એવું સતત લાગ્યા જ કરે છે. સમાચાર માધ્યમો વચ્ચેની ગળાકાપ હરીફાઈ અને વિવાદમાં રહેવાની નાદાન નેતાઓની ખાસિયતથી મતદારોનું અરણ્યરૂદન કોઈ સાંભળતું નથી અને સાંભળવા માગતું પણ નથી એ વરવું સત્ય છે. વર્તમાન રાજકારણમાં કોઈ રાજ્યકર્તાની ઉપલબ્ધિનો ખેલદિલ સ્વીકાર અને સત્તાના દુરૂપયોગ થયો હોય તો એ માટે દિલગીરી બંને પરિસ્થિતી દુર્લભ બની ગઈ છે. આ વાત નીકળે ત્યારે હમેશા શિક્ષણના અભાવ પર વાત કેન્દ્રીત થતી હોય છે પરતું કેટલા શિક્ષિત મતદારો નીષ્ઠાપૂર્વક મતદાન કરે છે? મતદાનની ઓછી ટકાવારી આપણા કહેવાતા શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા જ બતાવે છે. પહેલા ધનિક વર્ગ મતદાનથી અળગો રહેતો હતો પણ હવે ઉચ...

વિકાસ અને સંતુલન

વિકાસ અને સંતુલન હમણાં હમણાં આ શબ્દ સમાચાર માધ્યમોનો માનીતો શબ્દ બની ગયો છે. નવી પેઢીને આકર્ષવાની તાકાત “વિકાસ” શબ્દમાં છે અને એ સત્ય તમામ રાજકીય વ્યક્તિઓને સમજાઈ ગયું છે. આમ તો માનવજાતની વિકાસ માટેની અભિપ્સામાથી જ નવી નવી શોધખોળો થતી રહી છે. હજુ કઈક વધુ સુવિધા એટ્લે વિકાસ એવી સ્થૂળ વ્યાખ્યા પ્રચલિત બની ગઈ છે. પણ અભ્યાસુઓએ સંશોધકોએ વિકાસની સંવાદિતાનો નવો આયામ, નવી સમાજ, નવી વ્યાખ્યા અને નવો દ્રષ્ટિકોણ આપવા પ્રયાસ કર્યા છે. સુવિધાઓ વધે પણ એ સુવિધાઓ આસપાસના વાતાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ ન બેસાડી શકે તો જે સંવાદિતા ખોરવાય એના પર વિચાર કરાય એ જરૂરી છે. સાદી ભાષામાં કહીએ તો બાળક મોટું થાય એટ્લે એનો વિકાસ થયો કહેવાય પણ જો બાળકના બંને હાથની લંબાઈ સરખી માત્રામાં ન વધે તો એ વિકાસ ખરો પણ અસંતુલિત વિકાસ કહેવાય છે. ઉમર વધે પણ સમજણ ન વધે એવી વ્યક્તિઓને સામાન્ય ગણવામાં નથી આવતી. એ જ વાત મોટા ફલક પર પણ લાગુ પડે છે. રસ્તાઓની ગુણવત્તા સુધરે, નવા નવા ધંધારોજગાર વિકસે, પરિવહન વ્યવસ્થા વધુ સારી બને આ બધી માળખાગત વિકાસની નિશાની છે પરંતુ આ બધાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે ન કરવામાં આવે તો? ટેક્નોલોજીના...

પરિવાર...

આદિમાનવ તરીકે જીવતો માણસ સુસંસ્કૃત અવસ્થા સુધી પહોંચ્યો એ પ્રક્રિયા દરમિયાન પરિવારની કલ્પના સાકાર થઈ. આદિવાસી તરીકે જીવતો માણસ પોતાના સાથી-સમૂહના રક્ષણ અને પોષણ માટે સામુહિક પ્રયાસો કરતો હશે પરંતુ એ સમૂહ પણ કાળક્રમે નાના નાના સમુહોમાં વિભાજીત થતો થતો આજે આપણે જેને પરિવાર કહીયે છીએ એ રૂપમાં આકાર પામ્યો હશે. “વસુદૈવ કુટુંબકમ” એ સૂત્ર સાથે પરિવારની સંકલ્પનાને ‘પૃથ્વી પર વસતો બૃહદ પરિવાર’ એવા અર્થમાં ઋષિએ પણ નોંધી છે. આપણા સૂર્યને પણ નવ ગ્રહોનો પોતાનો પરિવાર છે જ ને? માનવ પરિવાર નામની સંસ્થા અસ્તિત્ત્વમાં આવ્યા ને હજુ થોડા હજાર વર્ષ જ થયા છે પરંતુ અનેક ચડાવ-ઉતાર બાદ પણ પરિવારનો વિચાર હજુ ટકી રહ્યો છે. આ પરિવારનું મહત્વ સમજાવતો એક સરસ શેર મારા મિત્ર કવિ શ્રી હરીશ જસદણવાળાએ લખ્યો છે. સૂર્યથી વહેતા કિરણ રોકાય તો રોકી જુઓ ઘર તરફ વળતા ચરણ રોકાય તો રોકી જુઓ  પરિવાર તરફ જઈ રહેલા ચરણોમાં જે ઉર્જા સંચાર થતો હોય છે એ ઉર્જા પરિવાર પ્રત્યેના મમત્વમાંથી આવે છે અને પરિવારનું સર્જન જ મમત્વના પાયા પર થયેલું છે. પરિવાર સલામતી આપે છે, હૂંફ આપે છે. પરિવાર એટ્લે કુટુંબ થાકેલા માટે વિસામો છે અને ભાંગ...

લાઈફ ઑફ પાઈ

લાઈફ ઑફ પાઈ – પ્રણવ ત્રિવેદી હમણાં રજૂઆત પામેલ આ ચલચિત્ર લગભગ સૌએ જોયું હશે. પ્રાથમિક દ્રષ્ટિ એ એક કથાનક અને ત્રિ-પરિમાણીય રજૂઆતથી એક મનોરંજક ફિલ્મ લાગે પરંતુ ઈશ્વર અંગે થતાં પ્રશ્નો અને અલગ અલગ ધર્મમાં અલગ અલગ માન્યતાઓ વચ્ચે ઉભરતું એક સનાતન સત્ય એ આ સમગ્ર વાર્તાનું હાર્દ લાગે છે. વિચાર કરતાં એવું લાગે કે કેટલી બધી વાતો આ બે કલાક ની વાર્તામાં સમાવી લેવાઈ છે ! વાસ્તવમાં મને તો એ ચલચિત્ર ‘લાઈફ ઓફ આઈ’ (Life of ‘I’) લાગ્યું છે. આ પૃથ્વી પર જન્મતું દરેક માનવ બાળ જે રીતે જીવનના પ્રવાહમાં વહે છે એનું નિરૂપણ હોય એવું પણ લાગે છે. શરૂઆતમાં માતાપિતાની માન્યતાઓ અને અનુભવોના આધાર પર ઘડતર અને પછી પરિવારનું છુટી જવું, દુનિયાના અફાટ સમંદરમાં મર્યાદિત સાધનો વડે ટકી રહેવું એની જ આ વાર્તા નથી શું ? અને એ ટકી રહેવાની મથામણમાં ભય(વાઘ) અને ભય આપનારનું અનાયાસે પોષણ એ આપણો સૌનો અનુભવ છે. જીવનની આ અફાટ જલરાશીમાં સફર કરતાં કરતાં આપણે પણ અનેકાનેક સૂર્યોદય અને સુર્યાસ્ત આપણી આસપાસ જોતા જ આવ્યા છીએ ને ? સમય પસાર થતાં થતાં ચહેરો-મહોરો બદલાય જાય છે અને ગુમાવેલી અનેક ચીજો સામે નવી નવી ઉપલબ્ધીઓ જીવવાનું કારણ બન...

લાચારી

હમણાં એક સરસ વાક્ય નજરે પડ્યું.  ‘ ના પાડવી ન ગમે એવી વ્યક્તિ કઈક માગે અને એ ન આપી શકાય ત્યારની લાચારી બહુ જ ખરાબ અનુભવ છે. ’   જીવનમાં જાતજાતની લાચારી આપણે સૌ અનુભવી હોય છે. મરીઝની એક ગઝલમાં પણ લાચારી અંગે એક શેર છે કે ‘ એવો કોઈ દિલદાર નજર આવે નહી , આપી દે જે કિન્તુ લાચાર બનાવે નહી ‘ આપણી સામે બનતી કોઈ ઘટના અંગે કશુક કરવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં કશું જ કરી ન શકીએ એવા પ્રસંગો સૌના જીવનમાં બનતા જ હોય છે. મને બે-ત્રણ દાયકા પૂર્વેની એક ઘટના યાદ આવે છે જેનો હું સાક્ષી છું. ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય કવિ ભાવનગર આવ્યા હતા. એમના વકતવ્ય બાદ એક કિશોરે પોતાની શાળાની નોટ-બુકમાં એ વિદ્વાન કવિના હસ્તાક્ષર માટે વિનંતી કરી. બહુ જ લાપરવાહી સાથે એ કવિએ કહી દીધું કે હૉલની બહાર મારા પુસ્તકો વેચાય છે એ ખરીદ કરીને આવો એમાં હસ્તાક્ષર કરી આપીશ. પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટેના એક વિચાર તરીકે આ વાતનો વિરોધ ન કરી શકાય પણ પેલો કિશોર કદાચ મોંઘા ભાવનું ખરીદી શકે તેમ ન હતો અને પોતાને જેમના પ્રત્યે આદર છે એવા વ્યક્તિત્વને મળ્યાની ક્ષણ એ જીવનભર સાચવી લેવા માગતો હતો પણ કવિશ્રીના જવાબથી તેના ચહેરા પર ...

લોકશાહીની પરિપકવતા

લોકશાહીની પરિપકવતા આપણાં દેશમાં લોકશાહીની સ્થાપનાને છ દાયકાથી પણ વધુ સમય થયો. આમ તો કોઈ પણ રાજ્યવ્યવસ્થાના મૂલ્યાંકન માટે આ બહુ ઓછો સમયગાળો કહેવાય તો પણ આટલા વર્ષોમાં લોકશાહી યુવાન અને પરિપકવ થઈ છે કે કેમ એ ચકાસવું જ જોઈએ.  બહુ જ પ્રચલિત વ્યાખ્યા અનુસાર “ લોકશાહી એટલે લોકો માટે , લોકો દ્વારા અને લોકો વતી ચાલતી વ્યવસ્થા” પણ હકીકતમાં એવું થયું છે ખરૂ ? ક્યાંક ચૂક રહી ગઈ છે એ ચોક્કસ ! એક બહુ સરસ વાક્ય અંહી યાદ આવે જ. “ Bad Officials are elected by those who do not vote. “  પણ રોગના મૂળ અંહી જ છુપાયેલા છે. પંચાયતીરાજનો ખ્યાલ એ પ્રથમ પ્રધાન મંત્રી શ્રી નહેરુનું સપનું હતું. પંચાયતી વ્યવસ્થા દ્વારા પ્રજાની સત્તાની ભાગીદારીનો એમનો ઉમદા ખ્યાલ હતો અને ચૂંટણી એ લોકશાહીના મંદિરની પુજાવિધિ હતી. લોકશાહીની વાત હોય કે પંચાયતીરાજની વાત હોય , છ દાયકાઓ પછી આજે ચૂંટણી એ લોકશાહીના ચાલક-બળની બદલે મારક-બળ તરીકે વરવા દ્રશ્યો સર્જી રહી છે. લોકમતની પારાશીશી તરીકે યોજાતી ચૂંટણીઓ અંતે તો વિભાજન અને વૈમનસ્યનું કારણ બની ગઈ. જેને કારણે વિકાસની ગાડી ધીમી પડી ગઈ કે રોકાઈ ગઈ કે પછી સાવ ફંટાઈ જ ગઈ..!! ...

અમારા પટેલસાહેબ...

માર્ચ ૧૯૮૨માં બારમાં ધોરણમાં પરીક્ષા આપી અને શાળાજીવનનો અંત આવ્યો. મુગ્ધાવસ્થાના સ્થાને ઘટમાં યૌવનના ઘોડા થનગનવા લાગ્યા અને ભાવનગરની શ્રી ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કૂલ સ્મરણમંજૂષાનું ઘરેણું બની ગઈ. એ પછીના પસાર થયેલાં ત્રણ દાયકામાં સાહિત્યિક રૂચિ જળવાઈ રહી અને સાહિત્યને માણતા રહ્યા એનું શ્રેય શાળાજીવનના અંતિમ વર્ષે જે વર્ગશિક્ષક હતા એ શ્રી પટેલસાહેબને જાય છે. અન્ય શિક્ષકો પ્રત્યે પણ પૂરતો આદર પણ પટેલસાહેબ તો મનના એક ખુણે પૂજ્યભાવે બિરાજયા.  આમ તો કોઈ દેખીતું કારણ ન હોવા છતાં ભાવનગર જવાનું થતું તો પણ એમને મળવાનું શક્ય બનતું જ નહી. કામનું ભારણ હોય કે સમયનો અભાવ મનના એક ખુણે થી ઉઠતી ઈચ્છા પાછી ઊંડે ધરબાઈ જતી. ૨૦૧૨ની ૧૮મી માર્ચે શાળા છોડયાના બરાબર ત્રીસ વર્ષ પછી પેલો અકબંધ રહેલો પૂજ્યભાવ સપાટી પર આવી ગયો અને મારા મિત્ર અને બેંક અધિકારી શ્રી એમ એ સરવૈયા સાથે પહોંચ્યો શ્રી પટેલસાહેબના ઘરે. મનમાં થોડી અવઢવ હતી કે તેઓ આજે આટલા વર્ષે મળશે કે કેમ? મળશે તો ઓળખી શકશે કે કેમ ? સરસ વિશાળ ફળિયામાંથી પસાર થઈ એક નાનકડા ઓરડા પાસે પહોંચ્યા તો એક કૃશકાય વૃધ્ધ કશુક લુહારી કામ કરવામાં વ્યસ્ત હતાં. ઓરડ...

અવિસ્મરણીય

Image
ગુજરાતના લોકપ્રિય અને સાહિત્યપ્રેમી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આ બ્લોગના સંચાલક અને "ગ્રીનલીફ" પુસ્તિકાના લેખકની મુલાકાત

રાહ જોજે

સજી સઘળાં શણગાર, તું રાહ જોજે એ આવ્યાનો છે અણસાર, તું રાહ જોજે માર્ગ પ્રેમનો જ લઈ જશે પરમ સુધી વાત એ થશે પુરવાર, તું રાહ જોજે મનગમતો પગરવ સાંભળવા ઝુરવું પડે લઈ શબરીનો અવતાર, તું રાહ જોજે હ્રદયની ભાષાજ પહોંચે છે હ્રદય સુધી  તજી દઈ તર્કની તલવાર, તું રાહ જોજે

વાતો

કદીક વમળની વાતો અને કદીક કમળની વાતો સદીઓથી સાંભળે છે પર્વત વહેતા જળની વાતો લઈ વેરાન જીંદગી બેઠા હતાં સરવરની આશમાં મિત્રો ત્યાં લઈને આવ્યા નર્યા મૃગજળની વાતો જે કદી વરસતું પણ નથી ને ગરજતું પણ નથી આકાશને પણ પીડે છે એવાં એક વાદળની વાતો સદીઓ સુધી જીવી શકાય છે બસ એના આધારે નથી ભુલાતી એવી એકાદ અનોખી પળની વાતો ક્યારેક વિધિના લેખથી પણ એ ઉપર હોય છે હસ્તરેખાઓમાં નથી હોતી એવાં અંજળની વાતો

આવ તું

આવ તું અને ઉજાસ લાવ તું શબ્દો નિયતિના બદલાવ તું શ્વાસનું પંખી પાંખ ફફડાવતું હવે તો મળવા માટે આવ તું ગઝલનો આખરી શબ્દ છું હું બક્ષવા અમરત્વ, બિરદાવ તું સદીઓ સુધી ભુલી ન શકાય ક્ષણ એવી એકાદ વિતાવ તું પ્રેમમાં કોઇ જીત્યું નથી કદી જીંદગી દાવમાં ન લગાવ તું

ઝાકળ ઝાકળ

ધુમ્મસ ધુમ્મસ, ઝાકળ ઝાકળ દરિયો દરિયો, વાદળ વાદળ સમયની રેત થઈ સરકતા સૌ ના કોઇ આગળ ના કોઇ પાછળ ક્યાંક એ મુક્તિ, ક્યાંક બંધન સંબંધ કેવી અદભુત સાંકળ ટહુકા માટે સહુ કોઇ તરસે નીમ, વડલો કે આવળ બાવળ ચોરી સુગંધ વાયરો ભાગ્યો દોડે વગડો આખો એની પાછળ

શું ચીજ છે

આ ખીલવું, મહોરવું, ખરી પડવું શું ચીજ છે? ને પછી વાયરાની સંગાથે ખખડવું શું ચીજ છે? આ નિર્લેપ આકાશને કોઇ તો સમજાવો આ વાત મળવાનો અર્થ શું અને બીછડવું શું ચીજ છે? ને તે છતાંય કામ એનું કાબિલે તારિફ નીકળ્યું બાકી ટેરવાંને શી ખબર કે રડવું શું ચીજ છે? જ્યાં સુધી એક ટહુકાને પોતાનામાં કેદ ન કર્યો પિંજરને નહોતી ખબર કે ફફડવું શું ચીજ છે? એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે? વ્યવહારૂ થઈ જીવ્યા તો નહી જાણી શકો કદી ઝુરવું તે શું અને એકલાં બબડવું શું ચીજ છે?

રોકે છે મને

અશ્રુભીની કોઈ પાંપણ રોકે છે મને એટલે કે પારકી થાપણ રોકે છે મને તારાથી દૂર જતા રસ્તે ચાલ્યો હતો રસ્તામાં તારા સ્મરણ રોકે છે મને એમ તો હું યે ક્યાં જવા રાજી હતો તું આવજો કહીને પણ રોકે છે મને એકલા પસાર થઈ જાત યુગો પણ તને મળ્યાની એક ક્ષણ રોકે છે મને આવજો કહેતા કૈંક ચહેરાઓ વચ્ચે ખૂણે ઉભું એકાદ જણ રોકે છે મને ગ્રંથ છુટ્યાં ને છોડી ગ્રંથીઓ પણ શી ખબર ક્યું વળગણ રોકે છે મને રક્તથીયે મજબુત એ સાબિત થયું શબ્દ સાથેનું સગપણ રોકે છે મને હાથ મિલાવ્યા એ કોઈ રોકાયા નહી બસ એક તૂટેલું દર્પણ રોકે છે મને અહંના પહાડો તો ઓગાળીયે શકાય  બસ એક પ્રેમાળ ઝરણ રોકે છે મને

માણસ

થઈ ગયો રેતી સિમેન્ટ ને સળિયાનો માણસ હતો જે નેવાં, મોભ અને નળિયાંનો માણસ સ્ક્વેર ફૂટના આટાપાટામાં જઈને અટવાયો ઠીબ, ચબુતરો, ડેલી અને ફળિયાનો માણસ એની ઇચ્છાઓનો દેશ વસ્યો નભને પેલે પાર ટોચે પહોંચીનેય ન જંપ્યો તળિયાનો માણસ ભાવ વિહોણી દુનિયામાં અભાવને આસ્વાદે પેટભરીને પસ્તાયો ગંગાજળિયાનો* માણસ શ્વાસે શ્વાસે બીજ વાવી લાગણીઓના પછી ખાલીપો થઈને ખુટ્યો ઝળઝળિયાનો માણસ  (*ગંગાજળિયા=ભાવનગરના મધ્યમાં આવેલું તળાવ)

એ

કોઇક વિતાડે છે  કોઇક જીવાડે છે હવા થકી ઉડ્યા એ જ પછાડે છે સમય તો બરફ તો ય દઝાડે છે સાંજે પર્ણ ખેરવી સવારે ઉગાડે છે એનાથી ના છૂપુ જે તું સંતાડે છે ખુદ ભલેને હારે એ સૌને રમાડે છે

સ્મરણ

Image

કોઈક આવી ચડે છે

ચોતરફ ઘુઘવતા દરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે ને ધોધમાર ઝળઝળિયા વચ્ચે, કોઇ આવી ચડે છે એકલતાનો અંધકાર એને ચોતરફ ઘેરી વળે પછી સુમસામ, નિશબ્દ ફળિયા વચ્ચે કોઇ આવી ચડે છે સંવેદનાના સો સો સુરજ પણ આથમી ગયા પછી લઈ મુઠ્ઠી ઉજાસ, નળિયા વચ્ચે કોઇ આવી ચડે છે અષાઢી નભશૃંગારે જીવલેણ ઝંખ્યા હો એવું બને શ્રાવણ મધ્યે ઝરમરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે ના શ્વાસ હો, ના શબ્દ, હો કેવળ શુન્યતા ભરપુર એકાકી એવા તરફડિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

મળીએ...

Image
શક્યતાઓની પણ પેલે પાર મળીએ બની શકે તો બસ અપરંપાર મળીએ પછીની અવસ્થા જો એ જ હોય તો ચાલને પહેલેથી જ નિરાકાર મળીએ હું માટીનું ઢેફું અને તું અષાઢી વાદળ તરસના સોગંદ, અનરાધાર મળીએ બંધ કિલ્લા જેવા શરીરની વાત છોડ એવું કરીએ ક્યાંક બારોબાર મળીએ

સ્મૃતિ સુગંધ

આખા ઘરમાંથી ઉમટી આવી મને વિંટળાઇ જતી તારી સ્મૃતિઓ લઈને બહાર પગથિયા પર ઉભો છું,  આથમણી દિશાએથી  તારી સુવાસ લઈને વહી આવતો પવન  મને કાનમાં કશુંક કહી જાય છે  અને  હું ઝંકૃત થઈ ઉઠું છું..  અનુભવું છું જીવનનું સંગીત..  અને આકાશ હસી પડે છે..  મારા ચહેરાં પર ફરતી મારી આંગળીઓ તારા પ્રગાઢ ચુંબનને વાંચે છે...  અને વાતાવરણ સુગંધાઈ જાય છે.  પ્રેમની પ્રથમ હુંફ રોમ રોમમાં પ્રગટે છે...  અને હું આકાશમાં ઓગળી જાઉં છું.....